અમદાવાદમાં રવિવારની વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. શહેરમાં સરેરાશ 3.3 ઇંચ વરસાદને પગલે મોટાભાગના રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા હતા અને ચાર અંડરપાસ અવર-જવર માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. રવિવારે સાંજે 7.30 કલાકે વરસાદ શરૂ થયો હતો. કેટલાક વિસ્તારોમાં ટ્રાફિકજામ થયો હતો.
અમદાવાદ મહાનગરપાલિકાના (AMC) કંટ્રોલ રૂમના જણાવ્યા પ્રમાણે શહેરમાં સરેરાશ 84.3 મી.મી અથવા 3.3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. દક્ષિણ ઝોનમાં આવેલા મણિનગર અને વટવામાં 4.71 ઈંચ, જ્યારે પૂર્વમાંઓઢવ, વિરાટનગર, નિકોલ, રામોલમાં 3.97 ઈંચ, મધ્યમાં ઝોનના દાણાપીઢ અને દુધેશ્વર 3.66 ઈંચ અને ઉત્તરઝોનના મેમકો, નરોડામા 3.54 ઈંચ વરસાદ વરસ્યો હતો.