દેશના ઉત્તરપશ્ચિમના રાજ્યોમાં સોમવારે વાવાઝોડાં સાથે ભારે વરસાદથી લોકોને કાળઝાળ ગરમીથી લોકોને મોટી રાહત મળી હતી. પાકિસ્તાનથી આગળ વધી રહેલી વેધર સિસ્ટમને કારણે વરસાદી વાદળો બન્યા હતા અને તેનાથી દિલ્હી, રાજસ્થાન, યુપી, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ અને હિમાચલપ્રદેશ સહિતના રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ રાજસ્થાન સિવાયના કોઇપણ વિસ્તારમાં આગામી પાંચ દિવસ દરમિયાન હીટવેવની સ્થિતિ ન જોવા મળે તેવી શક્યતા છે. આ સિઝનના પ્રથમ મધ્યમ તીવ્રતાના ગાજવીજ સાથેના વાવાઝોડાની અસરની કારણે આ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ઉત્તર પાકિસ્તાનથી આગળ વધી રહેલી વેધર સિસ્ટમને કારણે વરસાદી વાદળો બન્યા હતા અને તેનાથી પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરાખંડ અને હિમાચલપ્રદેશના કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તરાખંડના કેટલાંક વિસ્તારોમાં ગાજવીજ સાથે વાવાઝોડું આવ્યું હતું. જમ્મુ અને કાશ્મીર, હિમાચલપ્રદેશ, હરિયાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશનો મોટાભાગના વિસ્તારો અને રાજસ્થાનના કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
રવિવારે ઉત્તરપ્રદેશના ફતેહગઢમાં મહત્તમ તાપમાન 45.9 ડિર્ગી સેલ્શિયસ રહ્યું હતું. ભારે વરસાદ અને આંધીને કારણે દિલ્હીનું તાપમાન 45.9 ડિગ્રીથી ઘટીને 29 ડિગ્રી થયું હતું. હવામાન વિભાગે જણાવ્યું હતું કે છેલ્લાં 24 કલાકમાં હરિયાણાના ફરિદાબાદમાં 9 સેન્ટિમીટર, ગુરુગ્રામમાં 7 સેન્ટિમીટર, દિલ્હીમાં 5 અને મસૂરીમાં 4 સેન્ટિમીટર વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગે મંગળવારે પણ હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડમાં કેટલાંક સ્થળોએ ગાજવીજ સાથે વાવાઝોડુ અને કરા પડવાની આગાહી કરી હતી. આ ઉપરાંત જમ્મુ અને કાશ્મીર, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે. ઉનાળાની સિઝનમાં સામાન્ય રીતે 12થી 14 દિવસ માટે વાવાઝોડાની સ્થિતિ જોવા મળતી હીય છે. પરંતુ આ વખતે માત્ર ચાર કે પાંચ વખત આવી સ્થિતિ જોવા મળી છે.