ઓડિશાના ગુલાબ વાવાઝોડાની અસરને કારણે બુધવાર, 29 સપ્ટેમ્બરે સમગ્ર ગુજરાતમાં ઊંચા પવન સાથે વરસાદી માહોલ છવાયો હતો અને રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે મેઘવર્ષના કારણે જનજીવન અને વાહનવ્યવહારને અસર થઈ હતી. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદને પગલે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા હતા. હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગામી 3 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની ધારણા છે. ભરૂચમાં 7 ઇંચ અને હાંસોટમાં 6.5 વરસાદ ખાબક્યો છે. અંકલેશ્વરમાં 5.5 ઇંચ વરસાદ પડ્યો હતો. ભરુચમાં રસ્તા પર પાણી ભરાયા હતા.
રાજકોટમાં ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર રસ્તા અને ગરનાળામાં પાણી ભરાઈ ગયાં હતાં. વાવાઝોડાની અસરને પગલે બુધવારે 139 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો.
અમદાવાદ, સુરત તથા રાજકોટ સહિતના શહેરોમાં વરસાદ પડ્યો હતો.ય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઓડિશા અને આંધ્રપ્રદેશના કાંઠે ટકરાયેલા ‘ગુલાબ’ વાવાઝોડાની પૂર્વ અસરના કારણે અરબ સાગરમાં વધુ એક વાવાઝોડું ‘શાહીન’ સર્જાઈ રહ્યું છે. 30 સપ્ટેમ્બરે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન ઉદ્દભવશે અને એ ગુજરાતના કાંઠા વિસ્તારમાં ટકરાઈ શકે છે. “શાહીન” વાવાઝોડાને પગલે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી 3 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ રહેશે.આ વર્ષે ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં સરેરાશ 90 ટકા નોંધાયો છે. મોટાભાગના ડેમોમાં 80 ટકા જળ સંગ્રહ થયો છે, તથા 96 જળાશયો હાઈ એલર્ટ,પર મૂકવામાં આવ્યા હતા. નર્મદા અને ભરૂચ જિલ્લાને સિંચાઇનું પાણી પુરૂ પાડતા કરજણ ડેમની સપાટી વધીને 115.30 મીટરે પહોંચી ગઇ હતી અને કરજણ ડેમના 9 ખોલવામાં આવ્યા હતા.