ચોમાસાની આ સિઝનમાં વરસાદની ઘટનો સામનો કરી રહેલા સૌરાષ્ટ્રમાં બુઘવારે ભારે વરસાદ તૂટી પડ્યો હતો અને વરસાદ સંબંધિત ઘટનામાં ઓછામાં ઓછા છ વ્યક્તિના મોત થયા હતા. ભાવનગરના પાલિતાણા અને રાજકોટના જસદણ તાલુકામાં આ મોત થયા હતા. ગુરુવારે પણ સમગ્ર ગુજરાતમાં વરસાદ ચાલુ રહ્યો હતો. પાલિતાણા તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા.
સૌરાષ્ટ્રમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ત્યારે વીજળી પડવાની ઘટનાઓ પણ સામે આવી છે. સૌરાષ્ટ્રના જસદણમાં ત્રણ યુવકો પર વીજળી પડી હતી. જેમાં બે યુવકોનાં મોત થયા હતા. જ્યારે એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ સિવાય જામવાડીમાં પણ વીજળી પડવાનો બનાવ સામે આવ્યો છે. જામવાડીમાં એક મકાન પર વીજળી પડી હતી.
બુધવારે સુત્રપાડામાં 236 મીમી, માંગરોલમાં 72 મીમી, ગોંડલમાં 131મીમી, વેરાવળમાં 154 મીમી વરસાદ નોંધાયો હતો.
શેત્રુંજી ડેમ ઓવરફ્લો
ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ બુધવારની રાત્રે ઓવરફ્લો થયો છે. શેત્રુંજી ડેમ સતત બીજા વર્ષે પણ ઓવરફ્લો થતાં લોકોમાં હરખ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને પગલે શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ત્યારે કાંઠા વિસ્તારમાં રહેતા આસપાસના લોકોને એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ નીચાણવાળા વિસ્તારો સહિત 17 ગામને એલર્ટ કરવામાં આવ્યા હતા. ભેગાળી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાળિયા, રોયલ, માખણિયા, પર તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપર, નાની-રાજસ્થળી, લાપાળિયા, લાખાવડ, માયધાર અને મેંઢા ગામને એલર્ટ કરવામાં આવ્યા હતા.