ગુજરાતમાં શુક્રવારે ચોમાસાની જમાવટ થઈ હતી અને રાજ્યના 142 તાલુકમાં 1થી 7 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. આણંદમાં ચારેક કલાકમાં જ ધોધમાર સાડા સાત ઈંચ વરસાદ પડી જતાં ઠેર-ઠેર જળબંબાકાર સ્થિતિ સર્જાઈ હતી. આણંદ ટાઉનમાં ભારે વરસાદને કારણે બજારોમાં પાણી ભરાઈ ગયા હતા. એસટી ડેપો અને આસપાસના વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, નવા બસ સ્ટેન્ડ પાસેની દુકાનોમાં દોઢેક ફુટ જેટલા પાણી ભરાઈ ગયા હતા.
દક્ષિણ ગુજરાતના સુરત ચોયાર્સીમાં આશરે 4 ઇંચ વરસાદ પડ્યો હતો. શહેરમાં વરસાદનું જોરદાર ઝાપટું પડી જતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાના દ્રશ્યો જોવા મળ્યા હતા. સુરત ઉપરાંત, દક્ષિણ ગુજરાતના નવસારી, તાપી, વલસાડ જેવા જિલ્લામાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં ઉમરગામમાં 101 મીમી, ગણદેવીમાં 140 મીમી, પારડીમાં 118, વલસાડમાં 133 મીમી જેટલો નોંધપાત્ર વરસાદ પડ્યો હતો.
સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલ્ટો આવતા સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. પરંતુ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ પડ્યો હતો.