દેશમાં 51 દિવસ પછી મંગળવારે પેસેન્જર ટ્રેન આજે ફરીથી દોડશે. લોકડાઉનના કારણે 22 માર્ચથી આ તમામ ટ્રેન બંધ હતી. રેલવેએ હવે દિલ્હીથી 15 રૂટ પર ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. અપ અને ડાઉનને ધ્યાનમાં રાખીને આ ટ્રેનની સંખ્યા 30 હશે. રેલવેએ સોમવારે મોડી રાતે જણાવ્યું કે આ ટ્રેન માટે રાતે 9.15 સુધી 30 હજાર પીએનઆર નંબર જનરેટ થયા હતા. જેના દ્વારા 54 હજાર યાત્રિઓનું રિઝર્વેશન કરાયું છે.
પહેલી ટ્રેન સાંજે 3.45 વાગ્યે દિલ્હીથી બિલાસપુર માટે દોડશે. ત્યારબાદ રાતે 8.40 વાગ્યા સુધી દિલ્હી અને અન્ય શહેરમાંથી 15 જોડી ટ્રેન રવાના થશે. ભોપાલમાં ચાર ટ્રેન રોકાશે. કન્ફોર્મ ઈ-ટિકિટ થાય તો ઈ-પાસની જરૂર નહીં પડે. આવા લોકો કોઈ પણ પ્રકારની રોક ટોક વગર સ્ટેશન જઈ શકશે. સોમવારે સાંજે 4 વાગ્યે ટ્રેન માટે ઓનલાઈન બુકિંગ શરૂ કરવાની હતી, પણ 4 વાગતાની IRCTCની વેબસાઈટ ઠપ થઈ ગઈ હતી.
સાંજે 6 વાગ્યે બુકિંગ શરૂ થઈ શક્યું હતું. હાવડા- દિલ્હી ટ્રેનના એસી-1 અને એસી-3 ટિકિટ 10 મિનિટમાં વેચાઈ ગયા હતા. આ રૂટ પર 13 મેનું રિઝર્વેશન પણ 20 મિનિટમાં ફુલ થઈ ગયું હતું. આ પેસેન્જર ટ્રેન નવી દિલ્હીથી દિબ્રૂગઢ, અગરતલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિંકદરાબાદ, બેંગલુરુ, ચેન્નાઈ, તિરુવનંતપુરમ, મડગામ,મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ તવી માટે દોડાવાશે.