કેન્દ્રીય કેબિનેટે અમદાવાદ, નવી દિલ્હી અને મુંબFના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલવે સ્ટેશન (CSMT) સહિતના ત્રણ મુખ્ય રેલવે સ્ટેશનના પુનઃવિકાસની ઇન્ડિયન રેલવેની દરખાસ્તને મંજૂરી આપી છે. આ રેલવે સ્ટેશનના પુનઃનિર્માણ માટે આશરે રૂ.1000 કરોડને મંજૂરી આપવામાં આવી છે, એમ માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે બુધવારે જણાવ્યું હતું.
આ અંગેનો નિર્ણય બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો હતો. કેબિનેટના નિર્ણય અંગે માહિતી આપતા રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ રેલવે સ્ટેશનની ડિઝાઇન સિટીસ્કેપ મુજબની હશે, જેથી તે શહેરનો અભિન્ન હિસ્સો બની શકે છે. પ્રથમ તબક્કામાં દૈનિક 50 લાખ મુસાફરોની અવરજવર ધરાવતા આશરે 199 સ્ટેશનનું પુનઃનિર્માણ કરાશે. 47 સ્ટેશનો માટેના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે, જ્યારે 32 સ્ટેશનની કામગીરી ચાલુ છે. નવી દિલ્હી સ્ટેશનના પુનઃનિર્માણનું કાર્ય સાડા ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.
તેમણે જણાવ્યું હતું કે બાકીના બે રેલવે સ્ટેશનનું પુનઃનિર્માણ અઢી વર્ષમાં પૂરું કરવામાં આવશે. રેલવે પ્રધાને જણાવ્યું હતું કે સ્ટેશનોની ડિઝાઇનમાં સ્પેશિયસ રૂફ પ્લાઝનો સમાવેશ થાય છે. તેમાં એક જ સ્થળે પેસેન્જર્સ માટે તમામ સુવિધા હશે. આ ઉપરાંત તેમાં રિટેલ, કેફે અને મનોરંજન માટેની સુવિધા પણ હશે. આ શહેરોના સ્ટેશનોને બંને બાજુથી રેલવે ટ્રેક સાથે જોડવામાં આવશે. ફૂડ કોર્ટ, વેઇટિંગ લાઉન્જ, બાળકો માટે પ્લેઇંગ એરિયા જેવી સુવિધા હશે. તેમાં સ્થાનિક પ્રોડક્ટ્સના વેચાણ માટે પણ સુવિધા ઊભી કરાશે.
રેલવે પ્રધાને જણાવ્યું હતું કે અમે રૂફ પ્લાઝાનું નિર્માણ કરીને રેલવે માટે નવી ડિઝાઇન લાવી રહ્યાં છીએ. તેનાથી પ્લેટફોર્મ અને રેલવે ટ્રેક ઉપરતની ઉપલબ્ધ સ્પેસનો મહત્તમ ઉપયોગ થઈ શકશે. આ ડિઝાઇનનું કારણ નવી અર્બન સ્પેસ ઊભી કરવાનો છે, જેથી ફૂડ કોર્ટ અને વધુ સારો વેઇટિંગ એરિયા બનાવી શકાય.નવી દિલ્હી રેલવે સ્ટેશનમાં બસ, ઓટો અને મેટ્રો રેલ સર્વિસનું સંકલન થશે. મુંબઈમાં. CSMTના હેરિટેજ બિલ્ડિંગને કોઇ અસર થશે નહીં, પરંતુ નજીકની ઇમારતોનો પુનઃવિકાસ થશે.