કેન્દ્રીય રેલવે રાજ્યપ્રધાન સુરેશ આંગડીનું કોરોનાને કારણે બુધવારે રાત્રે અવસાન થયું હતું. તેઓ 65 વર્ષના હતા. સુરેશ આંગડીએ 11 સપ્ટેમ્બરના રોજ કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી હતી અને દિલ્હી એઈમ્સમાં સારવાર ચાલતી હતી. તેઓ કર્ણાટકથી ભાજપના સાંસદ હતા. મોદી સરકારમાં આંગણીને પ્રથમ વખત કેન્દ્રીય પ્રધાન બનાવવામાં આવ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ વડા પ્રધાન એચડી દેવે ગૌડાએ રેલવે રાજ્ય મંત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સુરેશ અંગડી કર્ણાટકના બીજા સાંસદ છે જે કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. અગાઉ સાંસદ અશોક ગસ્ટીનું કોરોનાને કારણે મૃત્યુ થયુ હતું. તેઓ રાજ્યસભાના સાંસદ હતા. સુરેશ આંગણી લોકસભાના સાંસદ હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કરતા ટ્વીટ કર્યું હતું કે સુરેશ આંગડી એક અસાધારણ કાર્યકર હતા જેમણે કર્ણાટકમાં પાર્ટીને મજબૂત બનાવવા માટે સખત મહેનત કરી હતી. તેઓ એક સમર્પિત સાંસદ અને પ્રભાવશાળી મંત્રી હતા. તેમનું મૃત્યુ દુ:ખદાયક છે. આ દુ:ખની ઘડીમાં મારી સંવેદનાઓ તેમના પરિવાર અને મિત્રોની સાથે છે.