કેન્દ્ર સરકારના કૃષિ કાયદાની વિરુદ્ધમાં દિલ્હીના સીમાડે આંદોલન કરી રહેલી ખેડૂતોએ ગુરુવાર, 18 ફેબ્રુઆરીના રોજ ચાર કલાક માટે રાષ્ટ્રવ્યાપી રેલ રોકોનું એલાન આપ્યું હતચું. તેનાથી પંજાબ અને હરિયાણમાં ટ્રેન વ્યવહારને અસર થઈ હતી. ખેડૂતો ઘણી જગ્યાએ રેલવેના ટ્રેક પર બેસી ગયા હતા અને ટ્રેન રોકી હતી. સાવચેતીના પગલાં તરીકે કેટલીક ટ્રેનો સ્ટેશન પર અટકાવવામાં આવી હતી. જોકે બીજા રાજ્યોમાં આ આંદોલનની કોઇ વિશેષ અસર થઈ ન હતી.
આંદોલનની આગેવાની કરી રહેલા સંયુક્ત કિસાન મોરચાએ રાષ્ટ્રવ્યાપી રેલ રોકો આંદોલનની જાહેરાત કરી હતી. તેનાથી બપોરે 12થી 4 વાગ્યા સુધી ખેડૂતોએ ઘણી જગ્યાએ રેલવે વ્યવહાર ખોરવી નાંખ્યા હતા. હરિયાણાના કુરુક્ષેત્રમાં ગીતા જયંતી એક્સપ્રેસ ટ્રેનના એન્જિન પર ચડી ગયા હતા. આ ટ્રેન સ્ટેશન પર ઊભી રાખવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે પંજાબમાં દિલ્હી લુધિયાણા અમૃતસર રેલવે રૂટ પર ઘણી જગ્યાએ ખેડૂતોએ વિરોધ કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે ખેડૂતોના દેખાવોને કારણે હરિયાણા અને પંજાબમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો હતો. રેલવે પોલીસ અને સ્ટેટ પોલીસ ગોઠવવામાં આવી હતી. ફિરોઝપુર રેલવે મેનેજરે જણાવ્યું હતું કે ખેડૂતોએ 50 જગ્યાએ ધરણા કર્યા હતા. જોકે તેનાથી કોઇ ટ્રેન કેન્સલ કરવામાં આવી ન હતી.