મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની પૂછપરછ કર્યા બાદ ભારતની કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ મંગળવારે નેશનલ હેરાલ્ડ વર્તમાનપત્ર કેસમાં દિલ્હી અને કોલકાતા સહિત 12 સ્થળોએ દરોડા પાડ્યો હતા. ઈડીએ નેશનલ હેરાલ્ડના દિલ્હી સ્થિત કાર્યાલયમાં પણ દરોડા પાડ્યો હતા. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ઈડીએ નેશનલ હેરાલ્ડ કેસ મામલે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની પુછપરછ કરી હતી. ઈડીની તે કાર્યવાહીના વિરોધમાં કોંગ્રેસે દેશભરમાં સત્યાગ્રહ કર્યો હતો.
નેશનલ હેરાલ્ડના કાર્યાલયમાં સિક્યોરિટી ગાર્ડ સિવાય અન્ય કોઈ જ ઉપસ્થિત નહોતું. આ તરફ કોંગ્રેસી સાંસદ ઉત્તર રેડ્ડીએ ઈડીના દરોડાને ચોંકાવનારા ગણાવ્યા હતા. આ સાથે જ તેમણે ઈડીની કાર્યવાહીને રાજકીય કિન્નાખોરી ગણાવી હતી.
27 જુલાઈએ પૂછપરછ સાથે સોનિયા ગાંધીની ત્રણ દિવસમાં આશરે 11 કલાક પૂછપરછ કરાઈ હતી. આ દરમિયાન આશરે 100 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. સોનિયા ગાંધીને 21 જુલાઈએ પણ બે કલાક સુધી પૂછપરછ કરાઈ હતી અને તેમણે 28 પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તેમને નેશનલ હેરાલ્ડ ન્યૂઝપેપરની કામગીરી, વિવિધ હોદ્દેદારો તથા તેમાં રાહુલ ગાંધીની ભાગીદારી અંગેના પ્રશ્નો પૂછાયા હતા. કોગ્રેસે પ્રમોટ કરેલી યંગ ઇન્ડિયા કંપનીમાં કથિત નાણાકીય ગેરરીતિ અંગે પણ સોનિયા ગાંધીને સવાલ કરાયા હતા.