Rahul's pride, Gandhi does not apologize to anyone

સુરતની કોર્ટ દ્વારા મોદી અટક અંગે માનહાનિના કેસમાં સાંસદ પદ ગુમાવી ચૂકેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શનિવારે નવી દિલ્હીમાં મીડિયાને જણાવ્યું હતું કે, મને સમર્થન કરવા માટે હું તમામ વિપક્ષી પાર્ટીઓનો આભાર માનું છું, અમે બધા સાથે મળીને કામ કરીશું. માફીના પ્રશ્ન અંગે તેમણે કહ્યું- ગાંધી ક્યારેય માફી માંગતા નથી, હું સાવરકર નથી. અદાણી અંગ મેં સંસદમાં સવાલો કર્યા હતા. તેના મેં પુરાવાઓ પણ રજૂ કર્યા હતા. તેમ છતાં મારા સવાલોના જવાબો આપવામાં આવ્યા નથી. તેનાથી વિપરિત મને ધમકાવીને ચૂપ કરવાનો પ્રયાસ કરાયો છે. અદાણીના મુદ્દા પરથી ફક્ત દેશનું ધ્યાન ભટકાવવા આ બધા ગતકડાં કરવામાં આવી રહ્યા છે. સંસદમાં પ્રધાનોએ મારા વિશે જુઠ્ઠાં નિવેદનો આપ્યા. મને મારી વાત રજૂ કરવાની તક પણ આપી નથી. મેં સ્પીકર સાથે મુલાકાત કરી હતી. તેમને પત્રો પણ લખ્યા.

આ દેશના લોકતંત્ર પર હુમલા સમાન બાબત છે. મને અયોગ્ય જાહેર કરીને પણ તમે ચૂપ નહીં કરાવી શકો. મારા પર વિદેશમાં ઊંધી વાતો બોલવાના આરોપ મૂકી રહ્યા છો. તે ખોટું છે. હું પ્રશ્નો પૂછવાનું બંધ નહીં કરું. મને ધમકાવીને ચૂપ નહીં કરાવી શકો. હું કોઈનાથી ડરતો નથી. તેમણે કહ્યું કે મોદી અને અદાણી વચ્ચે જૂના સંબંધો અને સાંઠગાંઠ છે. મોદી અદાણી વિશે કંઈ જ બોલતા કેમ નથી? અદાણી ગ્રુપની અનેક કંપનીઓ ખોટી છે. તેની કંપનીઓમાં કરાયેલું રોકાણ કોનું છે?

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, દેશમાં OBCનો કોઈ મુદ્દો નથી. આ અદાણી અને મોદીજી વચ્ચેના સંબંધની વાત છે. જો તમે ભારત જોડો યાત્રા દરમિયાન આપેલા મારા નિવેદનો જોશો તો મેં આવું ક્યારેય કહ્યું નથી. મેં દરેક વર્ગને એક થવા કહ્યું છે. બધા એક છે, દેશમાં ભાઈચારો હોવો જોઈએ. તેઓ મને કાયમ માટે ગેરલાયક ઠેરવે તો પણ હું મારું કામ કરતો રહીશ. હું સંસદની અંદર હોઉં કે ન હોઉં તેનાથી મને કોઈ ફરક પડતો નથી. હું દેશ માટે લડતો રહીશ.

LEAVE A REPLY