ભાજપના વડપણ હેઠળની મોદી સરકારની વિદેશ નીતિને કારણે ભારતની વિરુદ્ધમાં ચીન અને પાકિસ્તાન એકજૂથ થયા હોવાની કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ટીપ્પણીને અમેરિકા સમર્થન આપતું નથી, એમ અમેરિકાના ટોચના રાજદ્વારીએ જણાવ્યું છે.
લોકસભામાં રાહુલ ગાંધીની ટીપ્પણી અંગેના પ્રશ્નના જવાબમાં અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઇસે જણાવ્યું હતું કે “હું પાકિસ્તાન અને પીઆરસી (પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના) પર તેમના સંબંધો અંગે વાત કરવાનું છોડી દઉં છે. હું ચોક્કસપણે આવા નિવેદનને સમર્થન આપીશ નહીં.”
બીજા એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે વિશ્વના દેશોએ અમેરિકા અને ચીન વચ્ચે પસંદગી કરવાની જરૂર નથી.લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરની આભાર દરખાસ્ત અંગેની ચર્ચામાં ભાગ લેતા રાહુલ ગાંધીએ બુધવારે જણાવ્યું હતું કે ભારતનો વ્યૂહાત્મક હેતુ ચીન અને પાકિસ્તાનને અલગ રાખવાનો છે, પરંતુ આ સરકાર તેનાથી વિરુદ્ધમાં કામ કરી રહી છે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આપણે આપણી વિદેશ નીતિમાં મોટી વ્યૂહાત્મક ભૂલ કરી છે. તમે ચીન અને પાકિસ્તાનને એક સાથે લાવ્યા છો. તમે બે વિવિધ મોરચાના વિચાર અપનાવ્યો છે અને તેને એક સંયુક્ત મોરચામાં પરિવર્તિત કર્યો છે. તે ઘણું સ્પષ્ટ છે કે ચીન અને પાકિસ્તાન યોજના બનાવી રહ્યાં છે. તેઓ શસ્ત્રો ખરીદી રહ્યાં છે. તેમની પ્રવૃત્તિઓ, તેમની વાતચીત કરવાની પદ્ધતિ પર નજર કરો.
પાકિસ્તાને તાજેતરમાં તેના મિત્ર દેશ ચીન પાસેથી 24 મલ્ટિરોલ J-10C ફાઇટર જેટ વિમાન ખરીદ્યા છે. ભારતે રાફેલની ખરીદી કર્યા બાદ પાકિસ્તાનને આ ખરીદી કરી હતી.
રાહુલ ગાંધીના આક્ષેપ અંગે પ્રતિક્રિયા આપતા ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે કેટલાંક ઐતિહાસિક બોધપાઠ છે. 1963માં પાકિસ્તાનને ગેરકાયદેસર રીતે શાક્સગેમ વેલી ચીનને સોંપી હતી. ચીને 1970ના દાયકામાં પીઓકેમાંથી કારાકોરમ હાઇવે બનાવ્યો હતો. 1970ના દાયકાથી બંને દેશો વચ્ચે ગાઢ અણુ સહકાર છે.