(ANI Photo)
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ઉત્તરપ્રદેશની રાયબરેલી અને કેરળની વાયનાડ એમ બંને લોકસભા બેઠકો પર જંગી માર્જિન સાથે ભવ્ય વિજય થયો હતો. વાયનાડમાં રાહુલ ગાંધીએ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI)ના એની રાજાને 3,64,422 મતોના માર્જિનથી હરાવ્યા, જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના કેરળના પ્રદેશ પ્રમુખ કે સુરેન્દ્રન 1,41,045 મતો મેળવીને ત્રીજા સ્થાને રહ્યા હતાં. બંને બેઠકો પર વિજયને કારણે રાહુલ ગાંધીએ હવે કોઇ એક બેઠક છોડવી પડશે.
રાહુલ ગાંધી 2019માં પણ વાયનાડ બેઠક પરથી કુલ 10,92,197માંથી 7,06,367 મત મેળવીને વિશાળ માર્જિન સાથે જીત્યા હતા.
કોંગ્રેસના પરંપરાગત ગઢ રાયબરેલી કોંગ્રેસના નેતાએ ભાજપના દિનેશ પ્રતાપ સિંહને 3,89,341 મતોના વિશાળ માર્જિનથી હરાવ્યા હતાં. બહુજન સમાજ પાર્ટી (BSP)ના ઠાકુર પ્રસાદ યાદવ માત્ર 21,588 મત મેળવીને ત્રીજા સ્થાને રહ્યા હતાં. દિનેશ પ્રતાપ સિંહ યુપીના યોગી આદિત્યનાથ કેબિનેટમાં પ્રધાન પણ છે. રાયબરેલી બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડી રહેલા રાહુલ ગાંધી મતગણતરી શરૂ થયા બાદથી જ ભાજપના ઉમેદવારથી આગળ હતા.2019માં ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ દિનેશ પ્રતાપ સિંહ સામે 1,67,178 મતોથી આ સીટ જીતી હતી, પરંતુ આ વખતે સોનિયા ગાંધીએ તેમના પુત્ર રાહુલ ગાંધીને આ બેઠક આપી હતી.

LEAVE A REPLY