Rahul Gandhi granted bail in defamation case
મોદી સરનેસ સંબંધિત બદનક્ષીના કેસમાં નીચલી કોર્ટના ચુકાદાને પડકારવા માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમની બહેન પ્રિયંકા ગાંધી સાથે સુરત આવ્યા નીકળ્યા તે સમયની તસવીર (ANI Photo)

મોદી અટક અંગેની ટીપ્પણીના બદનક્ષીના કેસમાં નીચલી કોર્ટે સંભળાવેલી બે વર્ષની જેલસજાને રાહુલ ગાંધીએ સોમવાર, 3 એપ્રિલે સુરત સેશન કોર્ટમાં પડકારી હતી. સેશન કોર્ટે આ કેસમાં રાહુલ ગાંધીને જામીન આપ્યા હતા અને સજા પર મનાઇહુકમ અંગે 13 એપ્રિલે સુનાવણી નિર્ધારિત કરી હતી. કોંગ્રેસ નેતાને કોર્ટમાં હાજર રહેવાથી પણ મુક્તિ અપાઈ હતી.

એડિશનલ સેશન્સ જજ આર પી મોગેરાની કોર્ટે જણાવ્યું હતું કે કોર્ટ 13 એપ્રિલે સજા પર મનાઇહુકમ અંગે સુનાવણી કરશે. કોર્ટે આ મામલે ફરિયાદી પૂર્ણેશ મોદીને પણ નોટિસ આપીને 10 એપ્રિલ સુધી જવાબ માંગ્યો હતો. કોર્ટમાં બપોરે 3 વાગ્યે સુનાવણી ચાલુ થઈ ત્યારે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરા અને પક્ષના અન્ય નેતાઓ કોર્ટરૂમમાં હાજર હતા.

રાહુલ ગાંધી ચુકાદાને પડકારવા માટે સુરત આવી પહોંચ્યા હતા. તેમની સાથે અશોક ગેહલોત, ભુપેશ બઘેલ અને સુખવિંદર સિંહ સુખુ સહિત કોંગ્રેસ શાસિત રાજ્યોના ત્રણ મુખ્યપ્રધાનો તથા કોંગ્રેસના સંખ્યાબંધ વરિષ્ઠ નેતાઓ પણ સુરત આવ્યા હતા.

રાહુલ ગાંધી માટે ડિસ્ટ્રિક્ટ કોર્ટે તેમના દોષિતપણા અને સજા પર સ્ટે મૂકે તે જરૂરી છે, કારણ કે નીચલી કોર્ટે દોષિત ઠેરવીને બે વર્ષની જેલ સજા કરી હોવાથી તેમનું લોકસભા સભ્યપદ ગયું છે.  કોર્ટે સજા પર મનાઇહુકમ આપે આપે તેમનું લોકસભાનું સભ્યપદ ફરી મળી શકે છે.

23 માર્ચે સુરત નીચલી કોર્ટે બે વર્ષની સજા સંભળાવ્યા બાદ 30 દિવસ માટે રાહુલ ગાંધીને ઉપલી કોર્ટમાં અપીલ કરવાની છૂટ આપતા જામીન પર મુક્ત કર્યા હતા. રાહુલ સુરત પહોંચે તે પહેલા જ કોંગ્રેસના કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં સુરત પહોંચ્યા હતા. અન્ય શહેરોમાં પણ કોંગ્રેસના કાર્યકરોએ રાહુલના સમર્થનમાં રેલી કાઢી હતી.

ભાજપે રાહુલ ગાંધીની તેમની બહેન અને પક્ષના કેટલાક નેતાઓ સાથે સુરતની મુલાકાતને ન્યાયતંત્ર પર દબાણ લાવવાનો “બાલિશ પ્રયાસ” ગણાવ્યો હતો. કાયદા પ્રધાન કિરેન રિજિજુએ ટ્વિટ કર્યું હતું કે રાહુલ ગાંધી કદાચ સુરતમાં અપીલ દાખલ કરવા જઈ રહ્યા છે. અપીલ દાખલ કરવા માટે કોઈ દોષિતને વ્યક્તિગત રીતે જવું જરૂરી નથી. સામાન્ય રીતે કોઈ પણ દોષિત વ્યક્તિગત રીતે જતો નથી. કોંગ્રેસના નેતાઓ અને સમર્થકો સાથે રાહુલ ગાંધીનું કોર્ટમાં જવું તે માત્ર એક નાટક છે. જોકે કોંગ્રેસે કહ્યું કે સુરતમાં પાર્ટીના નેતાઓની હાજરી “શક્તિનો પ્રદર્શન” નથી, પરંતુ રાહુલ ગાંધી માટે “સમર્થનનું પ્રતીક” છે.

 

 

LEAVE A REPLY