નેશનલ હેરાલ્ડ વર્તમાનપત્ર સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કેન્દ્રીય તપાસ સંસ્થા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ સોમવાર, 20 જૂને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ચોથા દિવસે પૂછપરછ ચાલુ કરી હતી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ચોથા દિવસે ઈડીના અધિકારીઓ સમક્ષ હાજર થયા હતા.દરેક વખતની જેમ આ વખતે પણ તેમના બહેન અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા તેમની સાથે હાજર હતા.
અગાઉ 15, 16 અને 17 જૂને રાહુલ ગાંધીની પૂછપરછ કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ અત્યાર સુધીમાં ઈડીએ રાહુલ ગાંધીની 30 કલાક પૂછપરછ કરી છે.રાહુલ ગાંધી સોમવારે 11.05 વાગ્યે સીઆરપીએફની ઝેડ પ્લસ સુરક્ષા સાથે ઈડીની ઓફિસે પહોંચ્યા હતા. રાહુલ ગાંધીની પૂછપરછને પગલે ઈડી કચેરીની ચોતરફ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતા. આ ઉપરાંત આ વિસ્તારમાં કલમ 144 પણ લાગુ કરવામાં આવી હતી.
ઈડીએ આ કેસમાં અગાઉ ગત સપ્તાહે ત્રણ દિવસ સુધી કોંગ્રેસના નેતાની પૂછપરછ કરી હતી. ત્રણેય દિવસ કોંગ્રેસના કાર્યકરો વિરોધ પ્રદર્શન સાથે રસ્તા પર ઉતર્યા હતા અને ચક્કાજામ કર્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ ઈડી દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછનો વિરોધ કર્યો હતો.