સુરતની એક કોર્ટે ગત સપ્તાહે 2019ના ગુનાહિત બદનક્ષીના કેસમાં દોષિત ગણીને કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને બે વર્ષની કેદની સજા ફરમાવ્યા પછી રાહુલને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતા. કેટલાક કાનૂની નિષ્ણાતોએ કહ્યું હતું કે રાહુલ ગાંધી બદનક્ષી કેસમાં દોષિત ઠર્યા, તેની સાથે જ “આપોઆપ” ગેરલાયક ઠરે છે.
રાહુલ ગાંધીનું સંસદસભ્યપદ રદ કરવાની કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઈ છે. કેરળના આભા મુરલીધરને રાહુલ ગાંધીના કેસને ટાંકીને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. અરજીમાં તેમણે લોક પ્રતિનિધિત્વ કાયદાની કલમ 8(3)ને ગેરબંધારણીય જાહેર કરવાની માંગ કરી છે.
2019માં એક ચૂંટણીસભામાં રાહુલ ગાંધીએ એવી ટીપ્પણી કરી હતી કે દરેક ચોરની અટક મોદી જ કેમ હોય છે. આ વિધાનથી નારાજ થઇને ભાજપના નેતા અને ભૂતપૂર્વ પ્રધાન પૂર્ણેશ મોદીએ સુરતની એક કોર્ટમાં મોદી સમુદાયની બદનક્ષી કરવાનો રાહુલ ગાંધી સામે કેસ કર્યો હતો. કોર્ટે આ કેસમાં રાહુલ ગાંધીને દોષિત ઠેરવીને બે વર્ષની જેલની સજા કરી હતી.
અગાઉ લોકસભા સચિવાલય તરફથી એક નોટિફિકેશન બહાર પડાયું હતું જેમાં રાહુલ ગાંધીનું સંસદસભ્યપદ રદ થયાની જાહેરાત કરવામાં આવી હતી. હવે રાહુલ ગાંધી લોકસભામાં બેસી શકશે નહીં. 24 માર્ચ, 2023ના રોજ જનરલ સેક્રેટરી ઉત્પલ કુમાર સિંહે જારી કરેલા નોટિફિકેશન મુજબ સુરત કોર્ટે 23 માર્ચે આપેલી સજાના આધારે વાયનાડના સાંસદનું લોકસભાનું સભ્યપદ રદ કરાયું છે. નોટિફિકેશનમાં બંધારણની કલમ 102(1)(e) અને લોક પ્રતિનિધિત્વ ધારા, 1951ની કલમ 8નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આદેશની આ નકલ રાહુલ ગાંધીને પણ મોકલવામાં આવી છે. અંતમાં તેમના નામની આગળ ભૂતપૂર્વ સાંસદ લખવામાં આવ્યું છે. એક-એક નકલ રાષ્ટ્રપતિ સચિવાલય, વડાપ્રધાન સચિવાલય, રાજ્યસભા સચિવાલય, ચૂંટણી પંચ, ભારત સરકારના તમામ મંત્રાલયો અને વિભાગોને મોકલવામાં આવી છે.
આ અગાઉ, સુરતની એક કોર્ટે 2019ના માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને દોષિત ઠેરવીને બે વર્ષની સજા કર્યા પછી તેમને જામીન આપ્યા હતા અને આદેશ સામે અપીલ કરી શકે તે માટે તેમની સજા 30 દિવસ સસ્પેન્ડ કરી હતી.
લોક પ્રતિનિધિ ધારાની કલમ 8 (3) હેઠળ સંસદ સભ્યને કોઇપણ ગુનામાં દોષિત ઠેરવવામાં આવે અને ઓછામાં ઓછી બે વર્ષની સજા કરવામાં આવે ત્યારે તે આપોઆપ ગેરલાયક ઠરે છે.
સુરત કોર્ટના આદેશને આધારે લોકસભા સેક્રેટરિયેટે રાહુલ ગાંધીને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવ્યા હતા અને તેમની લોકસભા બેઠક ખાલી જાહેર કરી હતી. ચૂંટણી પંચ હવે આ બેઠક પર ખાસ ચૂંટણીની જાહેરાત કરી શકે છે. રાહુલ ગાંધીને દિલ્હીનો સરકારી બંગલો પણ ખાલી કરવાની નોટીસ જારી કરાઈ છે.
જોકે ભાજપે જણાવ્યું હતું કે કાયદા મુજબ રાહુલ ગાંધી ગેરલાયક ઠરે છે. ભૂતપૂર્વ કેન્દ્રીય કાયદા પ્રધાન કપિલ સિબ્બલે પણ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી તેમની બે વર્ષની જેલની સજાની સાથે સાંસદ તરીકે આપમેળે ગેરલાયક ઠરે છે. કોઈ કોર્ટ સજા સ્થગિત કરે તો તે પૂરતું નથી. દોષિત ઠરવા પર સ્ટે મળવો જરૂરી છે.
રાહુલનો હુંકાર, ગાંધી કોઈની માફી માગતા નથી: સુરતની કોર્ટ દ્વારા મોદી અટક અંગે બદનક્ષીના કેસમાં સાંસદ પદ ગુમાવી ચૂકેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શનિવારે નવી દિલ્હીમાં મીડિયાને જણાવ્યું હતું કે, મને સમર્થન આપવા માટે હું તમામ વિપક્ષી પાર્ટીઓનો આભાર માનું છું, અમે બધા સાથે મળીને કામ કરીશું. માફીના પ્રશ્ન અંગે તેમણે કહ્યું હતું કે,….