(ANI Photo)

અમેરિકાની છ દિવસની યાત્રા પર ગયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે ઇન્ડિયન ડાયાસ્પોરાને સંબોધન કર્યું હતું તથા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શાસક ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

સાન ફ્રાન્સિસ્કોમાં ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ યુએસએ દ્વારા આયોજિત ‘મોહબ્બત કી દુકાન’ કાર્યક્રમમાં બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતમાં એવા લોકો છે જે માને છે કે તેઓ ભગવાન કરતાં વધુ જાણે છે અને પીએમ મોદી “આવો જ એક નમૂનો” છે. કેટલાક લોકોને “સંપૂર્ણપણે ખાતરી” છે કે તેઓ બધું જ જાણે છે અને તેઓ ઇતિહાસકારોને ઇતિહાસ, વૈજ્ઞાનિકોને વિજ્ઞાન અને લશ્કરને યુદ્ધ સમજાવી શકે છે. દુનિયા એટલી મોટી અને જટિલ છે કે કોઈ પણ વ્યક્તિ બધું જ જાણી શકે નહીં. પરંતુ ભારતમાં એવા લોકોનું એક જૂથ છે જેમને સંપૂર્ણ ખાતરી છે કે તેઓ બધું જ જાણે છે. તેઓ વિચારે છે કે તેઓ ભગવાન કરતાં પણ વધુ જાણે છે. તેઓ ભગવાન સાથે બેસી શકે છે અને તેમને સમજાવી શકે છે કે શું ચાલી રહ્યું છે. અલબત્ત, આપણા વડા પ્રધાન એક એવો નમૂનો છે. જો તમે મોદીજીને ભગવાન સાથે બેસાડો, તો તેઓ ભગવાનને સમજાવશે કે બ્રહ્માંડ કેવી રીતે કાર્ય કરે છે અને ભગવાન પણ મૂંઝવણમાં મૂકાશે કે મેં શું સર્જન કર્યું છે.

મંગળવારે સાન્તાક્રુઝમાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સિલિકોન વેલી કેમ્પસ ખાતે એક કાર્યક્રમમાં પ્રેક્ષકોના પ્રશ્નોના જવાબ આપતા કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે ભાજપમાં પણ નબળાઈઓ છે અને જો વિપક્ષનું યોગ્ય રીતે જોડાણ થાય તો તેને હરાવી શકાય છે. વિપક્ષી એકતાની બાબતમાં, અમે તેના માટે કામ કરી રહ્યા છીએ. પરંતુ મને લાગે છે કે ભાજપને હરાવવા માટે, માત્ર વિપક્ષી એકતા કરતાં વિશેષ પ્રયાસની જરૂર છે. મારા મતે, માત્ર વિપક્ષી એકતા ચાલશે નહીં. મને લાગે છે કે તમારે બીજેપી માટે વૈકલ્પિક વિઝનની જરૂર છે. ભારત જોડો યાત્રાનો આવા વિઝન માટેનું પ્રથમ પગલું છે. રાહુલ ગાંધીએ ભાજપ સરકાર સામે લોકોને ધમકી આપવાનો એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આક્ષેપ કર્યો હતો.

LEAVE A REPLY