કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનો પબમાં પાર્ટી કરતા એક વીડિયો મંગળવારે વાયરલ થયો હતો. ભાજપના નેતા અમિત માલવીયે એક વીડિયો ટ્વીટ કરીને રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે. આ દરમિયાન કોંગ્રેસે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, રાહુલ ગાંધી તેમના એક મિત્રના લગ્નમાં સામેલ થવા માટે નેપાળ ગયા છે અને લગ્ન સમારોહમાં જવું એ કોઈ ગુનો તો નથી.
ભાજપ આઈટી સેલના હેડ અમિત માલવીયે પોતાના ટ્વિટર હેન્ડલથી રાહુલ ગાંધીનો એક યુવતી સાથે વાતચીત કરતો વીડિયો ટ્વીટ કર્યો છે. ટ્વીટ કરીને તેઓએ લખ્યું છે કે, જ્યારે મુંબઈ પર હુમલો થયો ત્યારે રાહુલ ગાંધી એક નાઈટ ક્લબમાં હતા. જ્યારે તેમની પાર્ટીમાં ઉથલપાથલ થઈ રહી છે ત્યારે પણ તેઓ ત્યાં જ છે. તેમનામાં સાતત્યતા છે.
નેપાળના પબમાં કોઇ યુવતી સાથે ડ્રિન્ક લેતો રાહુલના આ કથિત વીડિયોને પગલે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સોશિયલ મીડિયામાં વોર ચાલુ થયું હતું અને એકબીજા પર આક્ષેપો કર્યો હતો. કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુએ રાહુલ ગાંધીનો વીડિયો શેર કરતાં કહ્યું છે કે વેકેશન, પાર્ટી, પ્લેઝર ટ્રિપ, પ્રાઈવેટ ફોરેન વિઝિટ વગેરે હવે દેશ માટે કોઈ નવી વાત નથી.