દેશના જાણીતા ઉદ્યોગપતિ અને બજાજ ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન રાહુલ બજાજનું ટૂંકી માંદગી બાદ શનિવારે પૂણે ખાતેના તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. તેમની ઉંમર 83 વર્ષ હતી. તેમના નિધનના સમાચારથી ઉદ્યોગજગતમાં શોક અને દુઃખની લાગણી ફેલાઈ હતી. ગયા વર્ષના 30 એપ્રિલથી બજાજ ઓટોના નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ચેરમેનનો હોદ્દો છોડી દેનારા રાહુલ બજાજ ગ્રૂપના ચેરમેન એમિરિટસ હતા. તેઓ થોડા સમયથી બિમાર હતા અને શનિવારે બપોરે 2.30 વાગ્યાએ અંતિમ શ્વાસ લીધા હતા.
બજાજના રવિવારે રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમસંસ્કાર કરવામાં આવશે. બજાજ તેમની પાછળ બે પુત્રો રાજીવ બજાજ અને સંજીવ બજાજ તથા પુત્રી સુનયના કેજરીવાલને વિલાપ કરતાં છોડી ગયા છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે રાહુલ બજાજને શ્રદ્ધાંજલી આપી હતી અને જણાવ્યું હતું કે તેમના રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
રાહુલ બજાજને શ્રદ્ધાંજલિ આપતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે દેશે એક એક નિડર સ્વપ્નદ્રષ્ટા ઉદ્યોગપતિ ગુમાવ્યા છે. કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમે જણાવ્યું હતું કે સામાન્ય વ્યક્તિને દ્વિચક્રીય વાહનો પર સવાર કરવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
રાહુલ બજાજનો જન્મ 10 જૂન 1938એ કોલકતામાં થયો હતો. 1965માં બજાજ ગ્રૂપના વડા બન્યા બાદ બજાજ ગ્રૂપનો ઝડપથી વિકાસ થયો હતો. બજાજ ગ્રૂપ ઓટોમોબાઇલ, ઇન્શ્યોરન્સ, કન્ઝ્યુમર ફાઇનાન્સ, ઇલેક્ટ્રિક લેમ્પ, વિન્ડ એનર્જી, સ્પેશ્યલ એલોય, સ્ટેનલેસ સ્ટીલ, મટેરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ અને ટ્રાવેલ ક્ષેત્રના ક્ષેત્રોમાં હાજરી ધરાવે છે. તેમણે બંધિયાર અર્થતંત્રમાંથી ઉદાર અર્થતંત્રમાં બજાજ ગ્રૂપનો સફળતાપૂર્વક વિકાસ કર્યો હતો. તેમના વડપણ હેઠળ બજાજ બ્રાન્ડ ભારત અને વિશ્વમાં પ્રખ્યાત બની હતી. બજાજ ઓટોના સ્કૂટર્સ જાપાનની મોટરસાઇકલ બ્રાન્ડ્સ સામે અડિખમ રહ્યા છે.
રાહુલ બજાજના વડપણ હેઠળ બજાજ ગ્રૂપની મુખ્ય કંપની બજાજ ઓટોનું ટર્નઓવર રૂ.12,000 કરોડથી વધીને રૂ.7.2 કરોડ થયું હતું. કંપનીનું બજાજ ચેતક સ્કૂટર તે સમયે મધ્યવર્ગના પરિવારો માટેની મહત્ત્વકાંક્ષાનું પ્રતિક બની હતી તથા ‘હમારા બજાજ’ ટ્યુન વધુ સારા ભાવિની આશાનું પર્યાય બની હતી. 2005માં રાહુલ બજાજે કંપનીનું સુકાન રાજીવ બજાજને આપ્યું હતું.
ભારતના સૌથી સફળ બિઝનેસ વડામાં સ્થાન ધરાવતા બજાજ જૂન 2006માં રાજ્યસભામાં ચૂંટાયા હતા અને 2010 સુધી આ હોદ્દા પર રહ્યાં હતા.રાહુલ બજાજને પદ્મ ભૂષણ અને ઘણી યુનિવર્સિટીની ડોક્ટેરેટની પદવી સહિતના ઘણા એવોર્ડ મળ્યા હતા. તેઓ ઇન્ડિયન એરલાઇન્સના ચેરમેન તથા ઇન્ડિયન ઇન્ડસ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી, બોમ્બેના બોર્ડ ઓફ ગવર્નર્સના ચેરમેન હતા. તેઓ ઇન્ટરનેશનલ બિઝનેસ કાઉન્સિલ, વર્લ્ડ ઇકોનોમિક ફોરમના પૂર્વ ચેરમેન તથા હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના સાઉથ એશિયા એડવાઇઝરી બોર્ડના ભૂતપૂર્વ સભ્ય પણ હતા.