ચાર વખત ચેમ્પિયન રહી ચૂકેલી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ હવે આઈપીએલમાં પાછી તેના વર્ચસ્વભર્યા રંગમાં પાછી ફરી રહી છે. રવિવારે કોલકાતા સામેના મુકાબલામાં અજિંક્ય રહાણેની વિસ્ફોટક બેટિંગ તેમજ ડેવોન કોન્વે, શિવમ દુબે તથા ઋતુરાજ જાડેજાની ધમાકેદાર બેટિંગ સાથે ચેન્નાઈએ ચાર વિકેટે 235 રનનો જંગી સ્કોર ખડકી દીધો હતો. આ ટાર્ગેટ સામે કોલકાતા નાઈટ રાઈડર્સ 8 વિકેટે ફક્ત 186 રન સુધી પહોંચી શક્યું હતું અને ચેન્નાઈનો 49 રને વિજય થયો હતો. આ સાથે, ચેન્નાઈ સાત મેચમાંથી પાંચમાં વિજય, 10 પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી ગયું હતું.
ઈડન ગાર્ડનમાં રમાયેલી મેચમાં બંને ટીમના બેટ્સમેને ધમાકેદાર બેટિંગ કરી હતી અને કુલ ચાર અડદી સદીઓ નોંધાઈ હતી. રવિવારે રનની આતશબાજીમાં 30 છગ્ગા પણ ફટકારાયા હતા. કોલકાતા માટે નીતિશ રાણેએ સાત બોલર્સ અજમાવ્યા હતા, તેમાંથી સ્પિનર સુયશ શર્મા ચાર ઓવરમાં 29 રન આપી એક વિકેટ સાથે સૌથી ઓછા રન આપનારો રહ્યો હતો.
જવાબમાં કોલકાતા તરફથી પણ જેશન રોય અને રિંકુ સિંઘે તોફાની અડધી સદીઓ કરી હતી, જો કે તેમની ટીમના વિજય માટે તે પુરતી નહોતી. રોયે 26 બોલમાં 61 અને રીંકુ સિંઘે 33 બોલમાં અણનમ રહી 53 રન કર્યા હતા. આ બન્ને જો કે, મિડલ ઓર્ડરમાં આવ્યા હતા, એ પહેલા તો નબળી શરૂઆતના કારણે ટીમ રનરેટમાં પાછળ પડી ગઈ હતી. ચેન્નાઈએ પણ છ બોલર્સ અજમાવ્યા હતા અને તમામે વિકેટ લીધી હતી. અજિંક્ય રહાણેને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.