ભૂતપૂર્વ કેન્દ્રીયપ્રધાન અને બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના નેતા રઘુવંશ પ્રસાદ સિંહનું દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં રવિવારની સવારે અવસાન થયું હતું. તેઓ 74 વર્ષના હતા. જૂન મહિનામાં રઘુવંશપ્રસાદને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો આ પછી તેમને પટણા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
જોકે તબિયત ખરાબ થતાં રઘુવંશપ્રતાપ સિંહને નવી દિલ્હી ખાતેની એઇમ્સમાં ફરી દાખલ કરવામાં આયા હતા. બે દિવસ પહેલાં તેમની તબિયત લથડી હતી. કહેવાય છે કે શ્વાસ લેવામાં મુશ્કેલી પડતા તેમને વેન્ટીલેટર પર રખાયા હતા. તેમના નિધન પર રાજકીય ગલિયારામાં શોકની લહેર છે. બે દિવસ પહેલા તેમણે રાજદમાંથી રાજીનામું આપવાનો પોતાનો પત્ર રજૂ કર્યો હતો. જોકે રાજદે પક્ષમાંથી તેમના રાજીનામાનો સ્વીકાર કર્યો ન હતો. રાજદના નેતા લાલુપ્રસાદ યાદવે એ ટ્વીટ કર્યું હતું કે પ્રિય રઘુવંશ બાબુ, આ તમે શું કર્યું? મેં પરમ દિવસે જ તમને કહ્યું હતું કે તમારે કયાંય જવાનું નથી. પરંતુ તમે આટલા દૂર જતા રહ્યા. નિ:શબ્દ છું. દુ:ખી છું. ખૂબ યાદ આવશો. લાલુ યાદવ સિવાય તેમના મોટા પુત્ર પ્રતાપ યાદવે પણ ટ્વીટ કરી પોતાની પાર્ટીના એક વરિષ્ઠ નેતાના નિધન પર દુ:ખ વ્યકત કર્યું હતું.