ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ યુવા કેપ્ટન અઝીમ રફીક સામેના જાતિવાદી કૌભાંડના સંબંધમાં યોર્કશાયરના ગેરી બેલેન્સ, મેથ્યુ હોગાર્ડ, એન્ડ્ર્યુ ગેલ અને ટિમ બ્રેસનન સહિત 12 ભૂતપૂર્વ સ્ટાફ સામે પગલે ભરશે એવી તા. 11ના રોજ જાહેરાત કરાઇ હતી.
સ્પોર્ટ્સમેઇલે ખુલાસો કર્યો છે કે આરોપો ECBના ભેદભાવ વિરોધી કોડના ભંગ અને ક્રિકેટની રમતને બદનામ કરવા પર કેન્દ્રિત હશે. માર્ચ 2020માં, ભૂતપૂર્વ ખેલાડી રફીકે આરોપ મૂક્યો હતો કે ઇંગ્લિશ ક્લબમાં તેના રેસીઝમના અનુભવોએ તેને આત્મહત્યાની નજીક મૂકી દીધો હતો. 31 વર્ષીય રફીકે 2018માં યોર્કશાયર છોડ્યા બાદ ક્રિકેટ છોડી દીધી હતી.
પાકિસ્તાનમાં જન્મેલા સ્પિનર રફીકે કહ્યું હતું કે તેને લાગ્યું હતું કે એક મુસ્લિમ તરીકે, તેને “આઉટસાઇડર” જેવો અનુભવ કરાવવામાં આવ્યો હતો. ઇંગ્લિશ ક્રિકેટ ‘સંસ્થાકીય રીતે’ જાતિવાદી છે. તે સ્થાનિક કાઉન્ટી સાથેના આઠ વર્ષ દરમિયાન નિયમિત જાતિવાદી દુર્વ્યવહારનો ભોગ બન્યો હતો, જેમાં તેને ‘પા*’ અને ‘હાથી ધોનાર’ કહેવાયો હતો.
ક્લબને કટોકટીમાં નેવિગેટ કરવામાં મદદ કરવા માટે કમલેશ પટેલને નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ભારતીય અભિનેત્રી અનુષ્કા શર્માના ભાઈ કર્ણેશ શર્મા અને તેના ભાગીદાર અમરીશ ચંદ્રાના સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ક્લીન સ્લેટ સ્ટુડિયોઝને 2022 સીઝન માટે હેડિંગ્લે ખાતે નવા મુખ્ય પ્રાયોજક તરીકે નિયુક્ત કરાયો છે અને હેડિંગ્લેના પેવેલિયનને “ક્લીન સ્લેટ પેવેલિયન” તરીકે ઓળખવામાં આવશે જે યોર્કશાયર અને નોર્ધન ડાયમંડ્સની ક્લબ કીટ પર દેખાશે.