હિજાબ પહેરેલા વકીલ રફિયા અરશદને દુભાષિયા સમજી લેવાયા

0
733

મિડલેન્ડ્સમાં નવા ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ જજ તરીકે નિમાયેલા 40 વર્ષીય રફિયા અરશદે જણાવ્યું હતું કે ‘’હિજાબ પહેરવાના કારણે તેમને દુભાષિયા એટલે કે ઇન્ટરપ્રિટર માની લેવાયા હતા.’’

નૉટિંગહામ સ્થિત ફેમિલી લો બેરિસ્ટર જજ અરશદે મેટ્રો પેપરને જણાવ્યું હતું કે ‘’તે બેરિસ્ટર તરીકે હાજર થવા માટે કોર્ટમાં ગયા ત્યારે એક વ્યક્તિએ તેમને પછ્યું હતું કે “તમે દુભાષિયા જ હશોને?” જ્યારે તેમણે ઇન્ટરપ્રિટર નથી એમ કહ્યું ત્યારે તેણે પૂછ્યું હતુ કે “તો તમે અહીં કામના અનુભવ માટે આવ્યા છો?” જેના જવાબમાં અરશદે જવાબ આપ્યો હતો કે “ના, હું ખરેખર બેરિસ્ટર છું.”

અરશદે જણાવ્યું હતું કે “તેમાં તેનો વાંક નથી. લોકોમાં પૂર્વગ્રહયુક્ત દૃષ્ટિકોણ હોય છે કે ટોચનાં પ્રોફેશનલ્સ મારા જેવા દેખાતા નથી. માનવામાં આવે છે કે જજ અરશદ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ન્યાયિક પદ ધરાવતી વખતે હિજાબ પહેરનાર ત્રીજી મુસ્લિમ મહિલા છે. અન્ય બે મુસ્લિમ મહિલા જજ ટ્રિબ્યુનલ્સમાં બેસે છે. ઘણા લોકોએ દાવો કર્યો છે કે વ્યવસાયમાં ટોચની ભૂમિકા સ્ત્રીઓ અને વંશીય લઘુમતી પૃષ્ઠભૂમિના લોકો માટે બંધ હોય છે.

ન્યાય મંત્રાલયના આંકડા દર્શાવે છે કે ઈંગ્લેન્ડ અને વેલ્સના તમામ સ્તરે સ્ત્રી ન્યાયાધીશોનું પ્રમાણ 2014માં 24 ટકાથી વધીને ગયા વર્ષે 32 ટકા થયું છે. કોર્ટના જજીસ – ટ્રિબ્યુનલ્સને બાદ કરતા 7 ટકા વંશીય લઘુમતીના હતા. એશિયન અથવા એશિયન બ્રિટીશ તરીકે ઓળખાતા લોકોનો દર કોર્ટના તમામ ન્યાયાધીશોમાં 4 ટકાનો હતો. જોકે મુસ્લિમ માત્ર માટે કોઈ આંકડા નોંધાયા નથી.

ડેપ્યુટી ડિસ્ટ્રીક્ટ જજમાં 40 ટકાથી ઓછી મહિલાઓ છે. બાર કાઉન્સિલમાં પ્રેક્ટિસ કરતા કુલ 16,000 બેરિસ્ટર્સમાં વંશીય લઘુમતીના લોકો 13.5 ટકા હિસ્સો ધરાવે છે.