ગરવી ગુજરાત અને ઈસ્ટર્ન આઈના પ્રકાશક એશિયન મીડિયા ગ્રૂપ (AMG) દ્વારા પિકાડિલીમાં આરએએફ ક્લબ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં બોલતા, રોયલ એરફોર્સના વડા એર ચીફ માર્શલ સર માઈક વિગસ્ટને “દરેક સમુદાયમાંથી સૌથી તેજસ્વી અને શ્રેષ્ઠ” લોકોને રોયલ એરફોર્સમાં આકર્ષવાની પ્રતિજ્ઞા લેતા જણાવ્યું હતું કે આરએએફ 2040 સુધીમાં વંશીય લઘુમતીના લોકોની ભરતીનું પ્રમાણ વધારીને 20 ટકા અને મહિલા ભરતીનું પ્રમાણ વધારીને 40 ટકા કરવાનું લક્ષ્ય રાખે છે, જે આર્મી અથવા રોયલ નેવી કરતાં વધુ મહત્વાકાંક્ષી ધ્યેય છે.’’
સંખ્યાબંધ પ્રભાવશાળી બ્રિટિશ એશિયન બિઝનેસ લીડર્સ, રાજકારણીઓ, એકેડેમિક્સ અને પત્રકારોની ઉપસ્થિતીમાં સર વિંગસ્ટને જણાવ્યું હતું કે ‘’સંશોધનોએ સાબિત કર્યું છે કે વધુ વૈવિધ્યસભર વર્કફોર્સ અને ટીમો, સંસ્થાઓ માટે સકારાત્મક, વધુ ચપળ અને વધુ નવીન બની રહે છે, અને તેઓ વધુ સારા નિર્ણયો લે છે. આ અભિગમ વ્યવસાયિક રીતે પણ મહત્વપૂર્ણ છે અને યુકેની ડેમોગ્રાફી જે રીતે બદલાઈ રહી છે તેના આંકડાઓ જોતાં 2030 સુધીમાં, 17 થી 25 વર્ષની વયના 25 ટકા લોકો અશ્વેત પૃષ્ઠભૂમિના હશે. જ્યારે બાકીના 75 ટકામાંથી અડધી મહિલાઓ હશે.’’
હાલમાં, RAFમાં સેવા આપતા તમામ કર્મચારીઓમાંથી માત્ર 2.1 ટકા લોકો વસ્તી ગણતરીની શ્રેણી મુજબ BAME સમુદાય તરીકે ઓળખાય છે. એટલે કે RAFના કુલ 32,960 કર્મચારીઓમાંથી માત્ર 770 BAMEના છે.
સર વિંગસ્ટને કહ્યું હતું કે “સાચું કહું તો, જેન્ડર ડાયવર્સીટી અને એથનિક ડાયવર્સીટી ધરાવતા લોકોને આકર્ષવાનો અમારો ટ્રેક રેકોર્ડ જ્યાં હોવો જોઈએ તેની નજીક ક્યાંય નથી. મારી પાસે રોયલ એરફોર્સના 1500 પાઇલોટમાંથી દસ કરતા ઓછા વંશીય લઘુમતીઓમાંથી છે, જ્યારે 30 જ મહિલાઓ છે. 8500 એન્જિનિયરોમાંથી બે ટકા વંશીય લઘુમતીઓના છે. જ્યારે એન્જિનિયરોમાં છ ટકા મહિલાઓ છે. અમારે ઘણી લાંબી મજલ કાપવાની છે અને તેથી જ હું સંપૂર્ણપણે ચોક્કસ છું કે એર ફોર્સ બદલાશે. અમે યુકેના દરેક ભાગમાંથી લોકોને આકર્ષિત કરવા સક્ષમ છીએ અને અને સૌનો સમાવેશ કરવા હું અને મારી નેતૃત્વ ટીમ સંપૂર્ણપણે સંકલ્પબદ્ધ છીએ.’’
આ પ્રસંગે ઉદ્યોગસાહસિક દિનેશ ધામીજા, બેસ્ટવેના મેનેજિંગ ડિરેક્ટર દાઉદ પરવેઝ, ઝોરોસ્ટ્રિયન ફંડ્સ યુરોપના પ્રમુખ માલ્કમ ડેબૂ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના રીજનલ હેડ સુધીર શર્મા, બ્રિટિશ મેડિકલ એસોસિએશનના ભૂતપૂર્વ વડા ડૉ. ચાંદ નાગપોલ, બેંક ઓફ ઈંગ્લેન્ડની મોનેટરી પોલિસી કમિટીના બહારના સભ્ય સ્વાતિ ઢીંગરા અને બ્રેન્ટ કાઉન્સિલના નેતા મુહમ્મદ બટ્ટ સહિત વિવિધ સમુદાયોના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
સર વિંગસ્ટને ઉપસ્થિત લોકોને તેમના થ્રી કોર્સ ડિનર દરમિયાન સમયનો ઉપયોગ કરીને આરએએફ વિશે વધુ માહિતી મેળવવા અને તે એક બહુસાંસ્કૃતિક સંસ્થા બનવા માટે કેવા પ્રયત્ન કરે છે તે વિશે જાણવા માટે વિનંતી કરી હતી.
સર વિંગસ્ટને કહ્યું હતું કે “આરએએફ કામ કરવા માટે એક આકર્ષક અને પરિપૂર્ણ સ્થળ છે. આપણા દેશની સેવા કરવાની ક્ષમતા હોવી એ કંઈક અલગ જ છે અને તેનાથી અમે બધા પ્રેરિત છીએ અને સેવા કરવા માટે ગર્વ અનુભવીએ છીએ. હું ઈચ્છું છું કે આપણાં મહેમાનો એવા કેટલાક લોકો સાથે વાત કરે જેઓ માત્ર મારી પેઢીની જ નહીં, પણ અહીંની યુવા પેઢીની પણ સેવા કરી રહ્યા છે અને આજે રોયલ એરફોર્સમાં તેમને કેવું લાગે છે તે સાંભળે. અહીં અમે જે ફેરફારો કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને સાંભળીએ છીએ કે આ યુનિફોર્મ પહેરવાનો અર્થ શું છે, આપણા દેશની સેવા કરવી, આપણા આકાશ અને અવકાશનું રક્ષણ કરવું તથા રાજ્યાભિષેક જેવા અદ્ભુત ઔપચારિક કાર્યક્રમોમાં ભાગ લેવો.’’
તેમણે કહ્યું હતું કે “હું આપ સૌને વિનંતી કરૂ છું કે જ્યારે તમે તમારા સમુદાયો, તમારા પરિવારો અને મિત્રોને મળો ત્યારે આ વાત ફેલાવો કે રોયલ એર ફોર્સ કેવી તકો ઓફર કરે છે.
RAF ની અંદર પાઇલોટ અને નેવિગેટરથી લઈને એન્જિનિયર્સ અને સહાયક કર્મચારીઓ સુધીની, દરેક વ્યક્તિઓ નોકરી કરી શકે તેવી વિવિધ ભૂમિકાઓ હોય છે. આ દરેક ભૂમિકા આરએએફની કામગીરી અને સફળતા માટે મહત્વપૂર્ણ છે, અને જેઓ આ ભૂમિકાઓ નિભાવે છે તેઓ ઉચ્ચ રીતે તાલિમ પામેલા હોય છે.
સર વિંગસ્ટને કહ્યું હતું કે “હું ખરેખર ઇચ્છું છું કે રોયલ એર ફોર્સ દરેક સમુદાયના તેજસ્વી અને શ્રેષ્ઠ માટે આકર્ષક, વ્યાવસાયિક સ્થળ તરીકે બને. પાંચ વર્ષ પહેલાં, અમે અમારા પ્રથમ 100 વર્ષની ઉજવણી કરી હતી. એર સ્ટાફના વડા તરીકેની મારી ફરજ એ સુનિશ્ચિત કરવાની છે કે અમે આગામી 100 વર્ષ માટે તૈયાર હોઇએ અને લડાઈ માટે યોગ્ય રહીએ અને તેનો અર્થ છે પરિવર્તન. તેના માટે અમે એક જ અભિગમને બદલ્યો હતો અને સૌથી પહેલો હતો કે અમારી સંસ્થાને દેશની ડેમોગ્રાફી મુજબનો બનાવવી.”
AMG ના ગ્રૂપ મેનેજિંગ એડિટર કલ્પેશ સોલંકીએ આવતા મહિને પોતાનું પદ છોડી રહેલા સર વિંગસ્ટનની સરાહના કરતાં જણાવ્યું હતું કે “સર માઈક જુલાઈ 2019માં RAFના વડા બન્યા હતા અને તે સમયથી, તેમણે સમાનતા અને વિવિધતાને નિશ્ચિતપણે તેમના એજન્ડામાં ટોચ પર રાખ્યા છે. તેઓ વિવિધતા પ્રત્યે ખરેખર જુસ્સાદાર છે અને RAF ને વંશીય લઘુમતીઓ માટે વધુ સમાવિષ્ટ અને આવકારદાયક સંસ્થા બનાવવા માટે તેમણે અન્ય કોઈપણ વડા કરતાં વધુ કર્યું છે.”
સોલંકીએ ઉમેર્યું હતું કે ‘’ગયા અઠવાડિયે રાજા ચાર્લ્સનો રાજ્યાભિષેક બ્રિટિશ સમાજની શ્રેષ્ઠતા દર્શાવે છે અને દરેક સંસ્થાએ રાષ્ટ્રની અનન્ય સાંસ્કૃતિક રચનાને અદભૂત રીતે રજૂ કરવાની જરૂર છે. રાજ્યભિષેક આધુનિક બહુવિધ બ્રિટનને પ્રતિબિંબિત કરતા સમારંભ સાથે 1,000 વર્ષ જૂની પરંપરાને સંતુલિત કરવામાં સફળ રહ્યો હતો.”
શ્રી સોલંકીએ જણાવ્યું હતું કે ‘’બ્રિટન અનેક રંગો, આસ્થા અને પરંપરાઓ ધરાવતો દેશ છે. આપણા પ્રથમ બ્રિટિશ એશિયન વડા પ્રધાન, હિંદુ ધર્મ પાળે છે અને છતાય તેમણે હૃદયપૂર્વકના હેતુ અને વકતૃત્વ સાથે બાઇબલમાંથી એક પેસેજ વાંચ્યો ત્યારે તે ખરેખર કરુણાજનક ક્ષણ હતી. સમાન અને ન્યાયી સમાજ એ કોઈપણ સંસ્કારી લોકશાહીનો મૂળભૂત હિસ્સો છે અને જ્યારે આપણા તમામ નાગરિકો તેમની શ્રેષ્ઠ પ્રતિભાનો વિકાસ કરી શકે ત્યારે જ આપણે આપણા શ્રેષ્ઠ બની શકીશું.’’