સેન્ટ્રલ લંડનમાં ફાર રાઇટ અને BLM સમર્થકોના દેખાવો, થડામણ અને પોલીસ પર કરાયેલા હુમલાઓ સંદર્ભે 113થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તોફાનો દરમિયાન કુલ 23 અધિકારીઓ ઘાયલ થયા હતા. જો કે તેમની ઇજાઓ ગંભીર નથી. આ ધરપકડ શાંતિનો ભંગ, હિંસક અવ્યવસ્થા, અધિકારીઓ પર હુમલો, અપમાનજનક હથિયારો ધરાવવા, ક્લાસ એ ડ્રગ્સ ધરાવવી અને નશો કરવા સહિતના અનેક ગુનાઓ માટે કરવામાં આવી હતી.
વડા પ્રધાન બોરીસ જ્હોન્સને કહ્યું હતું કે “રેસીસ્ટ ઠગરીને યુકેની શેરીઓમાં કોઈ સ્થાન નથી. પોલીસ પર હુમલો કરનાર કોઈપણને કાયદાના સંપૂર્ણ બળથી સજા કરવામાં આવશે. આ કૂચ અને વિરોધને હિંસા દ્વારા પલટી દેવામાં આવ્યા છે અને વર્તમાન માર્ગદર્શિકાનો ભંગ કરવામાં આવ્યો છે. યુકેમાં રેસીઝમને કોઇ સ્થાન નથી અને તેને હકિકત બનાવવા માટે સાથે મળીને કામ કરવું જોઇએ.’’
વિપક્ષી લેબર નેતા, સર કેઇર સ્ટારમરે કહ્યું હતું કે ‘’પોલીસ પ્રત્યે દર્શાવવામાં આવેલી હિંસા સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. લંડનમાં દેખાવો હિંસા પેદા કરવા અને નફરત વાવવાના ઉદ્દેશથી કરવામાં આવી હતી. આપણે તેમને જીતવા ન દેવા જોઈએ.”
પોલીસ કમાન્ડર બેસ જાવિદે જણાવ્યું હતું કે “ગઈકાલે સેન્ટ્રલ લંડન તરફ જે દ્રશ્યો અધિકારીઓએ જોયા હતા તે એકદમ આઘાતજનક હતા. ફરી એકવાર, તેમણે મિસાઇલોનો મારો ચલાવ્યો હતો અથવા તેમનો ઇરાદો હિંસા આચરવાનો હતો. આ પ્રકારની માઇન્ડલેસ ગુંડાગીરી તદ્દન અસ્વીકાર્ય છે અને હું ખુશ છું કે તેમની ધરપકડ કરવામાં આવી હતી. હવે અમે તેમની સામે અદાલતો સાથે મળીને કામ કરીશું. હું તે અધિકારીઓનો આભાર માનું છું કે જેમણે બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસ અને સીટી ઑફ લંડન પોલીસના સાથીદારો સાથે મળીને હિંસક વર્તનનો સામનો કરવામાં ઘણી બહાદુરી બતાવી હતી.”
પાર્લામેન્ટ સ્કવેર નજીક એકઠા થયેલા વિશાળ ટોળાને રોકવા નિયંત્રણો લાદવામાં આવ્યા હતા અને સર્ચપાવરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હજારો લોકોએ કોરોનાવાયરસના પ્રસારને રોકવા માટે સ્થાને રાખેલા સામાજિક અંતરનાં ધોરણોને અવગણ્યા હતા.
શનિવારે તા. 13ના રોજ અલગ રીતે, લંડન અને દેશભરમાં પણ ઘણાં જાતિવાદ વિરોધી વિરોધ પ્રદર્શનો થયા હતા, જે મોટા પ્રમાણમાં શાંતિપૂર્ણ હતા. લંડનમાં જાતિવાદ વિરોધી બ્લેક લાઇવ્સ મેટરનો વિરોધ ખૂબ નાના પાયે યોજાયો હતો. તેના મુખ્ય જૂથોએ જમણેરી લોકો સાથેના ઘર્ષણને ટાળવા માટે તેના પ્રદર્શન કાર્યક્રમોને શુક્રવારે યોજ્યા હતા. લંડનના રસ્તાઓ પર બંને જુથો સામ-સામે આવી શકે તેવી આશંકા બાદ મેટ પોલીસે બન્ને જુથો પર આકરી શરતો લગાવી હતી.
સેંકડો ફાર રાઇટ જૂથના લોકો વ્હાઇટહોલમાં સેનોટાફ યુદ્ધ સ્મારકની આસપાસ અને પાર્લામેન્ટ સ્કવેરમાં યુકેના ભૂતપૂર્વ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલની પ્રતિમાની આસપાસ એકઠા થયા હતા, જેને ગયા સપ્તાહે વિરોધીઓ દ્વારા “રેસીસ્ટ” લખ્યું હતું. શનિવારે ચર્ચીલની પ્રતિમા પાસે એક પોસ્ટરમાં લખાયું હતું કે “આપણા ઇતિહાસનો નાશ કરશો નહીં. ઇતિહાસ સાચવી રાખો અને તેમાંથી શીખો. જેથી ફરી એ જ ભૂલો ન થાય.‘’
શનિવારના રોજ ફાર રાઇટ પ્રદર્શનમાં ભાગ લેનારા ઘણા લોકોએ વિંસ્ટન ચર્ચિલની પ્રતિમા તેમજ સેનોટાફની રક્ષા કરવા આવ્યા હોવાનો દાવો કર્યો હતો. તાજેતરના BLM વિરોધ પ્રદર્શનોમાં સંખ્યાબંધ પ્રતિમાઓની તોડફોડ કરવામાં આવ્યા બાદ સ્મારકોના રક્ષણ માટે લંડનનો પ્રવાસ કરવા ડેમોક્રેટિક ફૂટબૉલ લાડ્સ એલાયન્સ દ્વારા આહ્વાન આપવામાં આવ્યું હતું. ફાર-રાઇટ નેતા ટોમી રોબિન્સને પણ પોતાનો ટેકો આપ્યો હતો. જો કે, પોતાની જાતને “સ્ટેચ્યુ ડિફેન્ડર્સ” કહેવડાવતા લોકોએ પાર્લામેન્ટ સ્કવેર અને ટ્રફાલ્ગર સ્ક્વેર નજીકના વિસ્તારોનો કબજો લઇ પોલીસ અધિકારીઓ પર ફટાકડા, કાચની બોટલો અને ફ્લેયર્સ ફેંકી પ્રદર્શનને હિંસક બનાવ્યું હતું.
પાર્લામેન્ટ સ્ક્વેરમાં આવેલી નેલ્સન મંડેલા, મહાત્મા ગાંધી અને વિંસ્ટન ચર્ચિલની પ્રતિમા અને સેનોટાફને સુરક્ષીત રાખવા ઢાંકી દેવામાં આવ્યા હતાં. બીએલએમ લંડને જાહેરાત કરી હતી કે ફારરાઇટ જૂથો દ્વારા કાર્યક્રમ હાઈજેક કરવામાં આવશે તેવી આશંકાને લઈને શનિવારે હાઇડ પાર્કમાં વિરોધ કાર્યક્રમ રદ કર્યો હતો.
શું તમારાના દાદાની પ્રતિમાને કોઈ મ્યુઝીયમમાં ખસેડવી જોઈએ તેવા પ્રશ્નના જવાબમાં ચર્ચિલના પૌત્રી, એમ્મા સોમ્સને બીબીસીને જણાવ્યું હતું કે ‘’જો મૂર્તિ જોઈને લોકો ગુસ્સે થયા હોત તો તે સંગ્રહાલયમાં સુરક્ષિત હોઈ શકે છે, પરંતુ મને લાગે છે કે પાર્લામેન્ટ સ્ક્વેર તેમના વીના એક ગરીબ સ્થાન થશે. તે એક શક્તિશાળી, જટિલ માણસ હતા, તેમના જીવનના ખરાબ કરતાં સારી બાબતો વધુ હતી.”