- એક્સ્કલુસીવ
- બાર્ની ચૌધરી
ક્રિકેટને જાતિવાદી અને દુરૂપયોગી હોવાનું જણાવતા એક સ્વતંત્ર અહેવાલની ટીકા કરનાર લોર્ડ ઇયાન બોથમના વલણ અંગે ચુપકીદી સાધનાર ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) આગળ આવીને તપાસ કરવામાં નિષ્ફળ ગયું હોવાનું ક્રિકેટ સાથે સંકળાયેલા અગ્રણીઓએ જણાવ્યું છે. તેમણે ECB પર આરોપ મૂક્યો છે કે તેઓ લોર્ડ બોથમને સજા કરવામાં ડરે છે. તેમણે ECBને લોર્ડ બોથમનો સામનો કરવા હાકલ કરી છે.
ગરવી ગુજરાતે ઘણા અગ્રણી ક્રિકેટ સ્ત્રોતો સાથે વાત કરી હતી. જેમાં એક ઉચ્ચ સ્ત્રોતે કહ્યું હતું કે “મને નથી લાગતું કે બોથમ જાતિવાદી છે, પરંતુ તેમને ચોક્કસપણે અહીં ખોટી માહિતી, ભૂલ અને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. પરંતુ ઇસીબીએ તેમની ટિપ્પણીઓને જે રીતે પ્રતિસાદ આપ્યો છે તે સૌથી ખરાબ છે. તેઓ શા માટે બોથમનો સામનો કરતા નથી જેમની ટિપ્પણીઓ વધુ ખરાબ છે.”
એક પોડકાસ્ટ ઈન્ટરવ્યુ દરમિયાન બોથમે કહ્યું હતું કે “મેં રેસીઝમ અંગેના રિપોર્ટના અંશો વાંચ્યા બાદ તેને જમીન પર ફેંકી દીધા હતા કારણ કે મારી નજરમાં તે બકવાસ છે. તે પૈસાનો સંપૂર્ણ બગાડ હતો જે રમતની અંદર અન્ય બાબતો પર સારી રીતે ખર્ચવામાં આવી શકે છે.”
ભૂતપૂર્વ એસેક્સ ક્રિકેટર જાહિદ અહેમદે, અઝીમ રફીકની 2021માં સ્પોર્ટ સીલેક્ટ કમીટી સમક્ષ આપેલી જુબાનીથી પ્રેરિત થયા પછી, તેની રમતમાં રેસીઝમ માટે પોતાનો અવાજ ઉમેર્યો હતો. તે ડિસેમ્બર 2022માં સાંસદો સમક્ષ હાજર થયા હતા અને જણાવ્યું હતું કે તેમને “કરી મન્ચર” કહેતા લોકો દ્વારા વંશીય અપમાન સહન કરવું પડ્યું હતું.
તેમણે ગરવી ગુજરાતને કહ્યું હતું કે “ઈયાન બોથમ મારા હીરોમાંના એક હતા પણ મેં તેમના માટે ઘણું માન ગુમાવ્યું છે. તેઓ જે રીતે પ્રતિક્રિયા આપે છે તે શરમજનક છે.’’
અન્ય એક સાઉથ એશિયને કહ્યું હતું કે “ઈસીબીને બોથમે રમતને જે નુકસાન પહોંચાડ્યું છે તે દેખાતું નથી.”
એક સુત્રએ જણાવ્યું હતું કે ‘’અમે અમારા બાળકો માટે “ગંભીર રીતે ચિંતિત” છીએ. એક જ સ્ટ્રોકમાં, બોથમે તે લોકોના વિશ્વાસનો નાશ કર્યો છે. પ્રેસ અને લોકોએ અઝીમ સાથે જે કર્યું તેને કારણે તેને યુકે છોડવું પડ્યું હતું. બોથમ તે જાણે છે. અમને ખબર નથી કે અમારા બાળકોને ક્લબમાં મોકલવા સલામત છે કે કેમ? કારણ કે તે સ્પષ્ટ છે કે ઇસીબી બોથમનો સામનો કરવામાં ખૂબ ડરે છે. ફરી એક વાર ECB એ વંશીય લઘુમતીઓને નિષ્ફળ બનાવ્યા છે, પરંતુ હું શા માટે આશ્ચર્ય પામતો નથી?”
ઈન્ડિપેન્ડન્ટ કમિશન ફોર ઈક્વિટી ઇન ક્રિકેટ (ICEC)ના અધ્યક્ષ, સિન્ડી બટ્સે ધ ટાઈમ્સને લખવાનું અસામાન્ય પગલું ભર્યું છે. તેમણે બોથમને પડકારી કહ્યું હતું કે તપાસમાં ભાગ લેવા માટે તેમને કહેવાયું નથી કે તેમનો અભિપ્રાય પૂછવામાં આવ્યો ન હતો. તેમને પૂરતી તક મળી હતી પરંતુ તે વખતે તેમણે પોતાનો મત આપ્યો ન હતો.”
ડેવોન માલ્કમ, ડેવિડ લોરેન્સ, માર્ક એલીન અને ઓવેસ શાહ જેવા ભૂતપૂર્વ ખેલાડીઓની જેમ બેન સ્ટોક્સ, જો રૂટ, ઇયાન મોર્ગન અને હીથર નાઈટે તપાસમાં યોગદાન આપ્યું હતું.
ઈસીબીએ ગરવી ગુજરાતને કહ્યું હતું કે તે રિપોર્ટ વિશે બોથમની ટિપ્પણીઓ સાથે સહમત નથી. પરંતુ બોર્ડ પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપવામાં તે નિષ્ફળ ગયું હતું.
ECB પ્રેસ ઓફિસના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમે ICEC રિપોર્ટના તારણોને ઓળખીએ છીએ અને સમર્થન આપીએ છીએ અને ક્રિકેટમાં ક્યારેય ભેદભાવનો અનુભવ કરનારા કોઈપણ માટે અમારી માફીનો પુનરોચ્ચાર કરીએ છીએ. ક્રિકેટમાં સૌનો સમાવેશ કરાય છે. અમે વધુ રંગીન લોકો, મહિલાઓ અને વિવિધ અને અછતગ્રસ્ત સમુદાયોના વધુ લોકોને અમારી રમતમાં પ્રવેશતા જોવા માંગીએ છીએ.’’
ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ બેટિંગ કોચ અને મિડલસેક્સ અને સરેના ક્રિકેટર માર્ક રામપ્રકાશે ગરવી ગુજરતાને જણાવ્યું હતું કે ‘’સ્પષ્ટ છે કે રમતમાં એવા લોકો હતા જેઓ રેસીસ્ટ હતા કારણ કે તે સમાજને પ્રતિબિંબિત કરે છે. ત્યાં ઘણું કામ કરવાનું છે. સાઉથ એશિયન લોકો જાણે કે મનોરંજન ક્રિકેટ રમી રહ્યા છે. પરંતુ તેઓ પ્રોફેશનલ ક્રિકેટમાં નથી જઈ રહ્યા. આમ શા માટે છે? તે એક પ્રશ્ન છે જે પૂછવાની જરૂર છે. અમે ક્રિકેટના બોર્ડ લેવલના ડિરેક્ટર્સ, ચેર, હેડ કોચ, એકેડેમી ડિરેક્ટર્સ વિશે વાત કરી રહ્યા છીએ. હું હાલમાં મિડલસેક્સ કાઉન્ટી ક્રિકેટ ક્લબનો પ્રમુખ છું, અને હું કાઉન્ટીમાં અન્ય ઘણા લોકો સાથે સકારાત્મક અસર કરવા અને કાઉન્ટીમાં વાસ્તવિક, ચોક્કસ ફેરફાર જોવાનો પ્રયાસ કરી રહ્યો છું.”
ઈસ્ટર્ન આઈએ ટિપ્પણી માટે ડરહામ ક્રિકેટ ક્લબ અને ઇયાન બોથમનો સંપર્ક કર્યો હતો પરંતુ બંનેમાંથી કોઈ જવાબ આપ્યો નથી.