ક્રિકેટમાં સંસ્થાકીય જાતિવાદ અને રેસીઝમનો સામનો કરવા માટે પૂરતા પ્રયાસ કરવામાં આવ્યા નથી એવો એક સ્વતંત્ર અહેવાલ મંગળવારે તા. 27ના રોજ બહાર આવ્યા બાદ ઇંગ્લેન્ડના ક્રિકેટ વડાઓએ ક્રિકેટની રમતને “રીસેટ” કરવાનું વચન આપ્યું છે. રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે, વર્ગના અવરોધોને દૂર કરવા માટે પૂરતા પ્રયાસો કરાયા નથી, જેમાં ક્રિકેટમાં ખાનગી શાળાઓનું પ્રભુત્વ છે.
ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે 2021માં રેસીઝમનું કૌભાંડ બહાર આવ્યા બાદ વિવિધતા, સમાવેશ અને ઈક્વિટીના મુદ્દાઓની તપાસ માટે ‘’ઇન્ડિપેન્ડન્ટ કમિશન ફોર ઈક્વિટી ઇન ક્રિકેટ’’ની સ્થાપના કરી હતી. ઇંગ્લિશ કાઉન્ટી યોર્કશાયર ખાતેના રેસીઝમના બે અનુભવો બાદ પાકિસ્તાનમાં જન્મેલા બોલર અઝીમ રફીકે સપ્ટેમ્બર 2020 માં રેસીઝમ અને બુલિઇંગના આરોપો મૂક્યા હતા.
ICEC રિપોર્ટ માટે ઇન્ટરવ્યુ લેવામાં આવતા 4,000થી વધુ લોકોમાંથી અડધા લોકોએ કહ્યું હતું કે તેઓએ અગાઉના પાંચ વર્ષમાં ભેદભાવ અનુભવ્યો છે. જેમાં વંશીય રીતે વિવિધ સમુદાયોના લોકો માટેના આંકડા નોંધપાત્ર રીતે વધારે હતા. મહિલાઓને ઘણીવાર “સેકન્ડ ક્લાસ સીટીઝન” તરીકે ગણવામાં આવી હતી. કુલ 44 ભલામણો કરાઇ હતી જેમાં 2030 સુધીમાં પુરૂષ અને મહિલા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ માટે સમાન વેતનની માંગનો સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર, વ્હાઇટ બોલની ક્રિકેટ રમતા ઈંગ્લેન્ડના પુરૂષ ખેલાડીઓ કરતા ઈંગ્લેન્ડની મહિલા ખેલાડીઓનો સરેરાશ પગાર માત્ર પાંચમા ભાગનો છે.
ICEC અધ્યક્ષ સિન્ડી બટ્સે કહ્યું હતું કે “અમારા તારણો અસ્પષ્ટ છે. રેસીઝમ, વર્ગ-આધારિત ભેદભાવ, એલીટીઝમ અને સેક્સીઝમ વ્યાપક અને ઊંડા મૂળમાં છે. ક્રિકેટની અંદરની રચનાઓ અને પ્રક્રિયાઓમાં ભેદભાવ સ્પષ્ટ છે.’’
ECBના અધ્યક્ષ રિચાર્ડ થોમ્પસને જણાવ્યું હતું કે સંસ્થા “ક્રિકેટને ફરીથી સેટ કરવા માટે આ ક્ષણનો ઉપયોગ કરશે. ECB અને રમતના વ્યાપક નેતૃત્વ વતી, જેમને ક્રિકેટમાંથી બાકાત રાખવામાં આવ્યો હોય અથવા એવું લાગે કે તેઓ સંબંધ ધરાવતા નથી એવા કોઈપણ વ્યક્તિની હું માફી માંગુ છું. ક્રિકેટ દરેક માટે એક રમત હોવી જોઈએ, અને અમે જાણીએ છીએ કે આવું હંમેશા થતું નથી. અહેવાલમાં શક્તિશાળી તારણો એ પણ દર્શાવે છે કે ખૂબ લાંબા સમય સુધી સ્ત્રીઓ અને શ્યામ લોકોની અવગણના કરવામાં આવી હતી. અમે આ માટે ખરેખર દિલગીર છીએ.’’
રફીક કેસમાં રેસીસ્ટ ભાષાના ઉપયોગ બદલ યોર્કશાયરના છ ભૂતપૂર્વ ખેલાડીઓને ગયા મહિને ક્રિકેટ ડિસીપ્લીન કમિશને દંડ ફટકાર્યો હતો. ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોનને માર્ચમાં “સંભાવનાઓના સંતુલન પર” રેસીસ્ટ ભાષાનો ઉપયોગ કરવા બદલ સાફ કરવામાં આવ્યો હતો.