24th May 1979: Police form a line across a crowded street during the riots in Southall, London. (Photo by Evening Standard/Getty Images)

 

  • એક્સક્લુસિવ
  • બાર્ની ચૌધરી

ભૂતકાળમાં બ્રિટનમાં વ્યાપેલા રેસીઝમને ઉજાગર કરતી ડોક્યુમેન્ટરી બીબીસી ચેનલ 4 દ્વારા રજૂ થયા બાદ બ્રિટનના જાણીતા એન્ટી રેસીઝમ કેમ્પેઇનરોએ ‘ગરવી ગુજરાત’ને જણાવ્યું છે કે ‘’બ્રિટન 1970ના દાયકામાં હતું તેટલું જ રેસીસ્ટ આજે પણ છે, અને કેટલાક ‘રંગીન’ રાજકારણીઓ ઘણી બાબતોને વધુ ખરાબ કરી રહ્યા છે. આ સીરીઝમાં કેવી રીતે સાઉથ એશિયન અને અશ્વેત લોકો પાંચ દાયકા પહેલા ચાલી રહેલી લડાઈમાં રાઇટ વિંગ ઉગ્રવાદીઓ સામે લડ્યા હતા અને કેવી રીતે પોલીસે કઇ રીતે રેસીસ્ટ લોકો સાથે કાવતરા ઘડ્યા હતાં તેની વિગતો રજૂ કરાઇ હતી.

પીઢ એન્ટી રેસીઝમ અને સિવિલ રાઇટ્સ એક્ટીવીસ્ટ્સે જણાવ્યું હતું કે ‘’આજે 2024માં તફાવત એ છે કે જેમના માતા-પિતા અને દાદા-દાદી ઇમિગ્રન્ટ્સ હતા તેવા રંગીન લોકો સંવેદનશીલ સમુદાયના લોકો અને ખાસ કરીને સ્થળાંતર કરીને આવેલા લોકો પ્રત્યેની નફરતને સક્ષમ અને ઉત્તેજિત કરી રહ્યા છે.’’

વેસ્ટ લંડનના સાઉથોલમાં એન્ટી-નેશનલ ફ્રન્ટ (NF) પ્રદર્શનોમાં એક સમયે ભાગ લેનાર અને પત્રકાર, યાસ્મીન અલીભાઈ-બ્રાઉને ‘ગરવી ગુજરાત’ને કહ્યું હતું કે “રેસીઝમ હવે વધુ ખરાબ છે, કારણ કે આપણા લોકો હવે (રેસીઝમ) કરી રહ્યા છે. મને યાદ નથી કે ત્યારે એક પણ અશ્વેત અથવા એશિયન વ્યક્તિએ આ રેટરિકનો ઉપયોગ કર્યો હોય અથવા જે ચાલી રહ્યું હતું તેનો વિરોધ કરવા સિવાય બીજું કંઈ કર્યું હોય. હવે આપણી પાસે ચમચાઓ અને એવા લોકો છે જે તેને કાયદેસરતા આપે છે.  તેઓ અહીં બેસીને તમને જૂઠું કહે છે કે અમને બધાને ખૂબ જ સુંદર, ઉષ્માથી આવકારવામાં આવ્યા હતા. પરંતુ તેમને, તેમના પોતાના ઇતિહાસ સાથે દગો કરવાનો અધિકાર નથી.’’

યાસ્મીને જણાવ્યું હતું કે, “બ્રેક્ઝિટ પછી, રેસીસ્ટ લોકોને મનફાવે તેમ બોલવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. ચોક્કસપણે, ટેબ્લોઇડ્સ અને રાઇટ વિંગ પ્રેસ હંમેશા તેમની તરફેણમાં હોય છે. હવે સંસ્કૃતિ છે જ્યાં વ્હાઇટ રેસીસ્ટ્સને તેમની ઈચ્છા મુજબ વર્તન કરવાનો અધિકાર છે, પરંતુ ભોગ બનેલા લોકોએ વિરોધ કે ફરિયાદ ન કરવી જોઈએ, કારણ કે પછી તેમની પર જાગી ગયા હોવાનો આરોપ મૂકાય છે.’’

1950ના દાયકાથી સાઉથ એશિયનો સાઉથોલ, લંડનમાં ટાવર હેમલેટ્સ, બ્રેડફોર્ડ, નોર્થમાં માન્ચેસ્ટર અને મિડલેન્ડ્સમાં લેસ્ટર અને બર્મિંગહામ જેવા સ્થળોએ સ્થાયી થયા છે. જે બતાવે છે કે કેવી રીતે શ્વેત લોકોને લાગે છે કે તેમને નવા લોકોના આગમન માટે માર્ગ બનાવવા માટે તેમના ઘર છોડવાની ફરજ પાડવામાં આવી રહી છે.

આર્કાઇવ સામગ્રીનો ઉપયોગ કરીને, પ્રોગ્રામના નિર્માતાઓએ દર્શાવ્યું હતું કે 1970ના દાયકા સુધીમાં, NFએ ઇંગ્લેન્ડની આસપાસનો કબજો મેળવી લીધો હતો અને સાઉથ એશિયનો પર હુમલો અને હત્યા કરવાનું શરૂ કર્યું હતું.

સાઉથહોલમાં રહેતા અને યુવા ચળવળના અગ્રણી સભ્ય સુરેશ ગ્રોવર ફાર રાઇટ વિંગના ગુંડાઓ સામે લડતા હતા. મેટ્રોપોલિટન પોલીસ દ્વારા સુરક્ષિત ટાઉન હોલમાં NF દ્વારા યોજાયેલી ઉશ્કેરણીજનક મીટિંગો બાદ થયેલા તોફાનો પછી તેમણે ધ સાઉથોલ મોનિટરિંગ ગ્રૂપની સહ-સ્થાપના કરી હતી. જેને હવે ધ મોનિટરિંગ ગ્રૂપ કહેવામાં આવે છે.

ધ મોનિટરિંગ ગ્રૂપના વડા સુરેશ ગ્રોવરે ગરવી ગુજરાતને કહ્યું હતું કે “રાજકારણીઓ રેસીસ્ટ રેટરિક તરફ વળવાનું ચાલુ રાખે છે, અને આનો અર્થ એ છે કે રાજકારણીઓ હવે ઇમિગ્રેશન વિરોધ તરફ વળે છે, બહુસાંસ્કૃતિકવાદ પર હુમલો કરે છે, તેઓ વાસ્તવમાં મારા જેવા જ રંગ અને સમાન ધર્મના છે. તેઓ જે ભાષા અને રાજકીય રેટરિકનો ઉપયોગ કરે છે તેનાથી તેઓ સ્થળાંતર કરનારાઓને પીડા આપશે તે તેઓ જાણે છે. આપણે તે લેસન શીખ્યા નથી, જે માત્ર એશિયન સમુદાયો જ નહીં, પરંતુ બાકીના BME સમુદાયો પર પણ વ્યાપક અસર કરે છે. કેમ કે આપણે ક્યારેય સંસ્થાકીય અથવા સ્ટેટ રેસીઝમની સમસ્યા સાથે યોગ્ય રીતે વ્યવહાર કર્યો નથી.’’

તેમણે કહ્યું હતું કે “આજે આપણી પાસે ધર્મનું રાજનીતિકરણ છે, ભારતમાં, પાકિસ્તાનમાં, યુ.એસ.માં, અત્યંત ફાર રાઇટ્સ લોકોનો વિકાસ અને રેટરિક આ દેશમાં વૈશ્વિક સ્તરે અત્યંત ફાર રાઇટ રાજકારણ વિકસાવવા માટે ખરેખર સ્પર્ધા કરી રહ્યા છે. આપણને આત્મસંતુષ્ટ રહેવાનું પરવડી શકે તેમ નથી, આપણે ખાતરી કરવી પડશે કે આપણે જાતિવાદની અસરને ઓછી કરીએ અને હું એક એવા નિષ્કર્ષ પર પહોંચ્યો છું જે ક્યારેય નાબૂદ થશે નહીં. સિસ્ટમ જ તેને નાબૂદ કરવા માંગતી નથી. હું ઈચ્છું છું કે આપણે સિસ્ટમ બદલી શકીએ. આ વાસ્તવમાં એક નવો સમયગાળો છે જેનો આપણે આજે બ્રિટનમાં સામનો કરી રહ્યા છીએ, અને આપણે જાતિવાદ સામે લડવું પડશે, તે આ ક્ષણે એક સંઘર્ષ બની જાય છે.”

નોર્થ વેસ્ટ ઈંગ્લેન્ડમાં ઉછરેલા અને ચેનલ 4ના ભૂતપૂર્વ કમિશનર અને ધર્મના વિભાગના ભૂતપૂર્વ વડા અકીલ અહેમદે ગરવી ગુજરાતને કહ્યું હતું કે ‘’ત્યારે મારા માર્કેટ ટ્રેડર પિતાને રેસીસ્ટ ગ્રેફિટી અને તેની પિચને થયેલ નુકશાન દૂર દૂર કરવુ પડ્યું હતું. અન્ય રાષ્ટ્રો સંસદના સભ્યોને અને લોકો કેવી રીતે મતદાન કરે છે તેને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેને રશિયન હસ્તક્ષેપ જેવું કહી શકાય. દેશમાં સાઉથ એશિયન સમુદાયો વચ્ચેનું વિભાજન ચોરીછૂપીથી વાવવામાં આવ્યું હતું. મેં 1990ના દાયકાની શરૂઆતમાં કામ કરવાનું શરૂ કર્યું, ત્યારે મને યાદ છે, અમે હજી પણ એશિયન હતા, અમે મુસ્લિમ કે હિન્દુ નહોતા. પરંતુ તે બદલાઈ રહ્યું હતું. મેં પ્રથમ પ્રોગ્રામ પર કામ કર્યું તેમાંથી એક 1992માં બ્લેકબર્નમાં રમખાણો વિશેની ડોક્યુમેન્ટ્રી હતી. ત્યારે અમે ભારતીયો અને પાકિસ્તાનીઓ વિશે વાતચીત કરવાનું શરૂ કર્યું હતું, હિંદુઓ નહીં, તેઓ બધા મુસ્લિમ હતા, પરંતુ તે સમગ્ર પ્રકારનું વિભાજન હતું. ત્યાર પછી આપણે શીખ અને મુસ્લિમોને સ્લાવ અથવા બર્મિંગહામમાં લડતા જોયાં. ધીમે ધીમે અમે તે ધોવાણ થતું જોયું છે. તે પછી આપણે બ્લેક અને એશિયન બન્યા, પછી આપણે ભારતીય, પાકિસ્તાની, બંગાળી બન્યા અને હવે આપણે મુસ્લિમ, શીખ અને હિંદુ બની ગયા છીએ.’’

ડિફાયન્સ પ્રોડ્યુસર, રાજેશ થિંદ સારી રીતે જાણે છે કે તેમની ફિલ્મોએ આજના બ્રિટિશ-સાઉથ એશિયનો, વૃદ્ધો અને યુવાન લોકોમાં રસ જમાવ્યો છે. ચેનલ 4 પર ગયા અઠવાડિયે (8 થી 10 એપ્રિલ) આ સીરીઝ પ્રસારિત થઈ ત્યારથી, હજારો લોકોએ સોશિયલ મીડિયા પર ચર્ચા – ટિપ્પણી કરી છે.

રાજેશ થિંદ કહે છે કે ‘’સપ્ટેમ્બર 2001માં ન્યૂયોર્કમાં ટ્વીન ટાવર પર થયેલા આતંકવાદી હુમલાના ઘણા સમય પહેલા સાઉથ એશિયન સમુદાયોના વિભાજનની શરૂઆત થઈ હતી. 1970ના દાયકાના અંત અને 80ના દાયકાની શરૂઆતમાં, કન્ઝર્વેટિવ પાર્ટી હિંદુ અને શીખ સમુદાયોના ભાગો – જેઓ પોતાને ઉદ્યોગસાહસિક તરીકે દર્શાવવા લાગ્યા હતા તેમને અલગ કરવાનો પ્રયાસ કરી રહી હતી. તેઓ વિચારતા હતા કે જો તેમને ટોરીમાં લાવી શકીએ, તો ભાગલા પાડીને શાસન કરી શકીશું. 45 વર્ષ પહેલાં ટોરી વ્યૂહરચનાકારોના મનમાં જે વિચાર જન્મ્યો હતો તે હવે બહાર આવી રહ્યો છે. હું હંમેશા આ બાબતોને ઇતિહાસના લેન્સ દ્વારા જોવાનો પ્રયાસ કરું છું.  હું તેને ઇસ્ટ આફ્રિકાની સેન્ડવીચ વસાહતી પ્રણાલી તરીકે વર્ણવું છું, જેમાં ટોચ પર વ્હાઇટ વસાહતીઓ ચુનંદા હતા, વચ્ચે મિડલ ક્લાસ એશિયન હતા અને નીચે અશ્વેત, આફ્રિકન સમૂહ હતો. જેમાં એશિયન મધ્યમ વર્ગ સાથે વણબોલ્યો સોદો કરાયો હતો કે તમારું મોં બંધ રાખો, રાજકારણમાં ન પડો, તમે શ્રીમંત બનશો, અને બધું સારું થઈ જશે.”

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments