દિલ્હી ખાતેની ઐતિહાસિક ધરોહર કુતુબ મીનાર સંકુલમાં હિન્દુ અને જૈન દેવતાઓની પુનઃસ્થાપન કરવાની અરજીનો આર્કિયોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયા (એએસઆઇ)એ વિરોધ કર્યો છે. એએસઆઇએ દિલ્હીની કોર્ટમાં જણાવ્યું હતું કે કુતુબ મીનાર પૂજાનું સ્થાન નથી અને ઐતિહાસિક સ્મારક તરીકેના તેના હાલના દરજ્જામાં ફેરફાર કરી શકાય નહીં. દિલ્હીની સાકેત કોર્ટે તેનો ચુકાદો 9 જૂન સુધી અનામત રાખ્યો હતો.
એએસઆઇએ એવું પણ જણાવ્યું હતું કે કેન્દ્ર સંરક્ષિત આ સ્મારકમાં પૂજાના મૂળભૂત અધિકારાનો દાવો કરતી કોઇપણ વ્યક્તિની અરજી કાયદાની વિરુદ્ધમાં હશે. કુતુબ મીનારમાં પૂજા કરવાની છૂટ માગતી અરજી અંગેની આદેશને એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ નિખિલ ચોપરાએ 9 જૂન સુધી અનામત રાખ્યો હતો.
મુસ્લિમોએ કુતુબ મીનારમાં નમાઝની મંજૂરી માગી
કુતુબ મીનારમાં હિન્દુ અને જૈન દેવતાઓની મૂર્તિઓના પુનઃસ્થાપનની માગણી વચ્ચે દિલ્હી વકફ બોર્ડે દાવો કર્યો છે કે કુતુબ મીનારમાં આવેલી મસ્જિદમાં અગાઉ નમાઝ અદા કરવામાં આવી હતી અને તેને આર્કિયોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયાએ બંધ કરાવી હતી. દિલ્હી વકફ બોર્ડના ચેરમેન અમાનતુલ્લાહ ખાને એએસઆઇના ડાયરેક્ટર જનરલને ગયા સપ્તાહમાં લખેલા પત્રમાં માગણી કરી છે કે કુતુબ મીનાર સંકુલમાં આવેલી પ્રાચીન કુવ્વત-અલ-ઇસ્લામ મસ્જિદમાં નમાઝની છૂટ આપવામાં આવે.