અભિનેતા શાહરૂખ ખાન પાસેથી રૂ.25 કરોડની લાંચ માગવામાં આવી આવી હોવાના મામલે કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇએ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબીની) મુંબઈ શાખાના ભૂતપૂર્વ વડા સમીર વાનખેડેની રવિવાર, 21 મેએ સતત બીજા દિવસે પાંચ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી. કોર્ડેલિયા ક્રૂઝ ડ્રગ કેસમાં શાહરુખ ખાનના પુત્ર આર્યન સામે કાર્યવાહી ન કરવા માટે વાનખેડેએ આ લાંચ માગી હોવાનો આરોપ છે.
સીબીઆઇની ઓફિસમાં પ્રવેશતાં પહેલા વાનખેડે જણાવ્યું હતું કે તેમને ન્યાતંત્રમાં પૂરી શ્રદ્ધા છે. શનિવારે પણ સીબીઆઇએ પાંચ કલાક સુધી તેમની પૂછપરછ કરી હતી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના ફરિયાદને આધરે 11મેએ વાનખેડે સામે કેસ દાખલ થયો હતો. અહીં ઉલ્લેખનીય છે કે વાનખેડની આગેવાની હેઠળની એનસીબીએ ડ્રગ કેસમાં શાહરુખ ખાનના પુત્ર આર્યનની થોડો સમય પહેલા ધરપકડ કરી હતી. શાહરુખ ખાને પોતાના પુત્રને જેલમાં ન નાંખવા માટે વાનખેડને આજીજી કરી હોવાની વોટ્સએપ ચેટ પણ બહાર આવી હતી.