હેરીએ જણાવ્યું હતું કે ‘’ગત વર્ષે તા. 8મી જાન્યુઆરીએ જ્યારે મેગને અને મેં વરિષ્ઠ રોયલ્સ તરીકેનું પદ છોડવાની જાહેરાત કરી તે પછી જ રાણી સાથે મારી વાતચીત થઈ હતી. દાદીએ મને કહ્યું હતું કે તમે જાન્યુઆરી 2020માં કેનેડાથી યુકે પાછા આવો અને અહિ ઉતરો ત્યારે, સેંડ્રીંગહામ આવો, ગપસપ કરીશું. ચા પીવા આવશો, તમે ડીનર માટે પણ રોકાજો, કેમ કે પછી તમારે લાંબુ ડ્રાઇવ કરવું પડશે અને તમે થાકેલા પણ હશો. પરંતુ અમે યુકેમાં ઉતર્યા બાદ મને મને મારા પીએનો સંદેશ મળ્યો હતો. મને અચાનક કહેવામાં આવ્યું હતું કે તમને સેંડ્રીંગહામમાં મહારાણી સાથે સમય પસાર કરવા આમંત્રણ આપવામાં આવ્યું નથી.’’
હેરીએ જણાવ્યું હતું કે મહારાણીના પીએ તરફથી મોકલવામાં આવેલા અને મને કોપી પેસ્ટ કરીને મોકલવામાં આવેલા એ સંદેશામાં જણાવાયું હતું કે અમે નોર્ફોક નહીં જઇ શકીએ કારણ કે રાણી વ્યસ્ત છે, તેઓ આખુ અઠવાડિયુ વ્યસ્ત છે. મેં ફ્રોગમોર કોટેજમાંથી મહારાણીને રાત્રે ફોન કરીને કહ્યું કે હું આવવાનો વિચાર કરું છું, પણ સાંભળ્યું છે કે તમે વ્યસ્ત છો. ત્યારે તેમણે મને કહ્યું હતું કે ”હા, મારી ડાયરીમાં કંઈક એવું છે જેની મને ખબર નહોતી. મેં બાકીના અઠવાડિયાનું શું? તેમ પૂછતાં તેમણે કહ્યું હતું કે તેઓ વ્યસ્ત છે. હું તેમને દબાણ કરવા માંગતો નહોતો કારણ કે મને ખબર છે કે શું થઈ રહ્યું છે. રાણીને ‘ખૂબ જ ખરાબ’ સલાહ આપી હોવાનું બની શકે છે. શાહી સહાયકોએ કથિત રૂપે ઉથલપાથલ કરી હતી અને મહારાણીને મારી પાસેથી છીનવી લીધા હતા.‘’
ઓપ્રાહે જ્યારે પૂછ્યું કે ‘’રાણી પોતાની પસંદનું ન કરી શકે? ત્યારે પ્રિન્સે જણાવ્યું હતું કે ના, જ્યારે તમે ફર્મના વડા હો, ત્યારે તમારી આસપાસના લોકો તમને જે સલાહ આપે તે કરવું પડે. મને દુખ છે કે તે સલાહ ખરેખર ખરાબ રહી છે.’’
ઓપ્રાહે તારણ કાઢ્યું હતું કે જ્યારે તમારી માતા કે દાદી કહે કે, હું વ્યસ્ત છું, હું આખો અઠવાડિયું વ્યસ્ત છું, ત્યારે તે એક મોટો ઇશારો બને છે.
હેરીએ કહ્યું હતું કે ‘’હું દુ:ખી થયો છું. અમારા બધા પેટ્રોનેજીસ છીનવી લેવાના મહારાણીના નિર્ણયનો ‘સંપૂર્ણ રીતે આદર’ કરૂ છું અને અમારા નિર્ણય અંગે અમને કોઈ દિલગીરી પણ નથી. મને ખરેખર અમારા પર ગર્વ છે. અમે ઝૂમ પર નિયમિતપણે મહારાણી સાથે વાત કરીએ છીએ અને ગયા અઠવાડિયે જ્યારે પ્રિન્સ ફિલિપ બીમાર પડ્યા ત્યારે પણ વાત કરી હતી. મેગન અને હેરીએ મહારાણીની ટીકા કરવાની અથવા માર્કલ પરિવાર વિશે વાત કરવાની સ્પષ્ટ રીતે ના કહી હતી.
1997માં મૃત્યુ પામેલ તેની માતા ડાયેનાની જેમ મેગન સાથે પણ ‘મદદ અને સમજૂતીનો અભાવ’ હોવાનો દાવો કરીને, હેરીએ જણાવ્યું હતું કે તેઓ (દંપત્તી) પણ માનસિક આરોગ્યની મુશ્કેલીઓ અનુભવતા હતા.