બ્રિટનના 93 વર્ષીય મહારાણી તા. 5મી એપ્રિલને રવિવારે રાત્રે 8 વાગ્યે વિન્ડસર કાસલથી કોરોનાવાયરસ સંકટ સમયે ‘યુનાઇટેડ કિંગડમ અને કોમનવેલ્થ’ની જનતાનુ મનોબળ વધારવા માટે ટેલિવિઝન અને રેડીયો પર રાષ્ટ્રજોગ સંબોધન કરશે. જે શાહી પરિવારના સોશ્યલ મિડીયા પર પણ દર્શાવવામાં આવશે. બકિંગહામ પેલેસે જાહેરાત કરી હતી કે મહારાણીના આ પ્રવચનને પ્રસારણ માટે રેકોર્ડ કરવામાં આવ્યું છે.
68 વર્ષના શાસનમાં મહારાણીનુ આ માત્ર ચોથુ વિશેષ સંબોધન હશે. છેલ્લે તેમણે 2002માં તેમની માતાના અંતિમ સંસ્કારની પૂર્વ સંધ્યાએ તેમનું અંતિમ ભાષણ આપ્યું હતું. તે પહેલા 1997માં પ્રિન્સેસ ડાયનાના મૃત્યુ પછી અને 1991માં તેમણે ગલ્ફ વૉર વખતે પ્રવચન કર્યુ હતુ.
મહારાણીના સહાયકો ડાઉનિંગ સ્ટ્રીટ સાથે પખવાડિયાથી મહારાણીના પ્રવચનો અંગે ચર્ચા કરતા હતા. દેશ ખૂબ જ લાંબી અને મુશ્કેલ પરિસ્થિતીમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે સંબોધનનો સમય ‘બરાબર હોવો જરૂરી છે’. મહારાણી જાહેરમાં પ્રવચન આપવાના ખૂબ જ અનુભવી છે અને મોનિટર પરની સ્ક્રિપ્ટ વાંચીને ફક્ત એક જ વારમાં તેમનો ક્રિસમસ સંદેશો રેકોર્ડ કરે છે.
મહારાણીના ફૂટમેનને કોરોનાવાયરસ હોવાનુ બહાર આવ્યા બાદ તેમના સ્વાસ્થ્ય માટે વધુ ભય પેદા થયો હતો. પરંતુ બકિંગહામ પેલેસે આ અઠવાડિયાની શરૂઆતમાં કહ્યું હતું કે તેમની અને પ્રિન્સ ફીલીપની તબિયત સારી છે અને દરેક સાવચેતી રાખવામાં આવી રહી છે.