મહારાણીના 70 વર્ષના શાસનની શાનદાર ઉજવણી માટે યોજાઇ રહેલા પ્લેટીનમ જ્યુબિલી ઉત્સવની બધી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જૂન માસની શરૂઆતમાં ચાર દિવસના બેંક હોલિડે વીકએન્ડ દરમિયાન દેશના લાખ્ખો લોકો સ્ટ્રીટ પાર્ટી અને અન્ય આયોજીત કાર્યક્રમોનો લાભ લેશે. કોરોનાવાઇરસ રોગચાળા પછી પહેલી વખત સૌ દેશવાસીઓ ઉમળકાભેર આ ઉત્સવની ઉજવણીઓમાં ભાગ લેશે.
સ્પ્રિંગ બેંક હોલિડે માટે ગુરુવાર 2 જૂનના રોજ રજા અપાઇ છે. તે પછી શુક્રવાર 3 જૂને વધારાની બેંક હોલીડે છે. શનિ-રવિના વિકેન્ડની રજાઓ સૌ માણી શકે છે. ઘણા લોકો આ ઉત્સવ દરમિયાન સારા હવામાનની આશા રાખે છે.
પ્લેટિનમ જ્યુબિલી ઉત્સવનું સમગ્ર યુકે અને કોમનવેલ્થમાં આયોજન કરાયું છે. જેમાં મુખ્ય પ્રસંગો જ્યુબિલી લોંગ વિકેન્ડ દરમિયાન યોજાશે. ગુરુવાર તા. 2 જૂને ટ્રુપિંગ ધ કલર, રાણીની સત્તાવાર જન્મદિવસની પરેડ દર્શાવવામાં આવશે, જેને લંડનમાં બકિંગહામ પેલેસની બાલ્કનીમાં શાહી પરિવારના સભ્યો દ્વારા નિહાળવામાં આવશે અને RAF ફ્લાય-પાસ્ટ સાથે તે સમાપ્ત થશે. તે દિવસે સમગ્ર યુકે અને કોમનવેલ્થ દેશોની રાજધાનીઓમાં 1,500 બીકન્સ પ્રગટાવવામાં આવશે.
શુક્રવાર 3 જૂનના રોજ લંડનમાં સેન્ટ પોલ કેથેડ્રલમાં થેંક્સગિવીંગ સર્વિસ યોજાશે. શનિવારે, રોયલ પરિવારના સભ્યો એપ્સમ ખાતે ડર્બી હોર્સ રેસિંગ ઇવેન્ટ અને પેલેસમાં પ્લેટિનમ પાર્ટીમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. બકિંગહામ પેલેસની સામે લાઇવ કોન્સર્ટમાં ડાયના રોસ, ક્વીન, ડ્યુરાન ડ્યુરાન, સર રોડ સ્ટુઅર્ટ અને યુરોવિઝન ગાયક સેમ રાયડે ગીત-સંગીતનો લાભ આપશે.
રવિવારે ઉજવણીના અંતિમ દિવસે પ્લેટિનમ જ્યુબિલી પેજન્ટ અંતર્ગત બકિંગહામ પેલેસની સામે યોજાયેલ પ્રદર્શન રાણીના શાસનની વાતો રજૂ કરશે. તેમાં લશ્કરી કર્મચારીઓ, ડાન્સર્સ અને કોર્ગિસની કઠપૂતળીઓ અને એડ શીરાનનું પ્રદર્શન દર્શાવવામાં આવશે.
ટ્રોપિંગ ધ કલર અને આરએએફ ફ્લાય-પાસ્ટ લંડનમાં ધ મોલ, સેન્ટ જેમ્સ પાર્ક અને હોર્સ ગાર્ડ્સ પરેડથી જોઈ શકાશે. બીબીસી શનિવારની રાતના અને જ્યુબિલી પેજન્ટ પર કોન્સર્ટ બંને ઇવેન્ટ્સનું જીવંત પ્રસારણ કરનાર છે. મહારાણી ટ્રુપિંગ ધ કલર અને નેશનલ સર્વિસ ઓફ થેંક્સગિવીંગમાં “હાજર રહેવાની યોજના ધરાવે છે”. ડ્યુક ઓફ યોર્ક અને ડ્યુક ઓફ સસેક્સ અને તેમના ડચેસને બકિંગહામ પેલેસની બાલ્કનીમાં ટ્રોપિંગ ધ કલર માટે જોડાવા માટે આમંત્રિત કરાયા નથી. આ ઇવેન્ટ રાજવી પરિવારના સભ્યો સુધી મર્યાદિત છે.
હર મેજેસ્ટીની વર્ષગાંઠ માટે ત્રણ તબક્કાના મિની ફેસ્ટિવલમાં બકિંગહામ પેલેસ ખાતે રોક બેન્ડ ક્વીન, એલિસિયા કીઝ, એન્ડ્રીયા બોસેલી અને સર એલ્ટન જ્હોનના પ્રદર્શનનો સમાવેશ થશે. સર ડેવિડ એટનબરો અને સ્ટીફન ફ્રાય પણ શનિવારે 4 જૂને પેલેસ ખાતે પ્લેટિનમ પાર્ટીમાં હશે
જે લગભગ અઢી કલાક ચાલશે. પેલેસમાં પ્લેટિનમ પાર્ટીમાં 22,000 ની ભીડ હાજરી આપે તેવી અપેક્ષા છે. જેમાં 10,000 ટિકિટ સામાન્ય જનતાને અને 7,500 કી વર્કર, સશસ્ત્ર દળોના સભ્યો, સ્વયંસેવકો અને ચેરિટી કાર્યકરોને ફાળવવામાં આવી છે. સંપૂર્ણ કોન્સર્ટ બીબીસી દ્વારા ટેલિવિઝન અને ઓનલાઈન પર પ્રસારિત કરવામાં આવશે.
આ ચાર દિવસની ઉજવણી દરમિયાન પબ, બાર અને નાઈટક્લબ 2 થી 4 જૂનની વચ્ચે મધરાતના 1:00 સુધી ખુલ્લા રહી શકશે.
ધ બિગ જ્યુબિલી લંચના ભાગ રૂપે સમગ્ર સપ્તાહમાં સ્ટ્રીટ પાર્ટીઓનું આયોજન કરાયું છે. રાણીના ગ્રીન કેનોપી પ્રોજેક્ટમાં હજારો છોડવાઓને રોપીને લોકોએ ઉજવણીની શરૂઆત કરી દીધી હતી.
આ અગાઉ ડચેસ ઓફ કેમ્બ્રિજ બકિંગહામ પેલેસ ખાતે વર્ષની બીજી સત્તાવાર ગાર્ડન પાર્ટીમાં 8,000 થી વધુ મહેમાનો સાથે જોડાયા હતા. અર્લ ઓફ વેસેક્સ અને કાઉન્ટેસ અને રાણીની પિતરાઈ, પ્રિન્સેસ એલેક્ઝાન્ડ્રા પણ ત્યાં હતા.
પ્રિન્સેસ રોયલે 12 મેના રોજ બકિંગહામ પેલેસ ખાતે ફોર્સ ચેરિટી, ધ નોટ ફોરગોટન એસોસિએશન માટે લોકડાઉન પછી યોજાયેલી પ્રથમ ગાર્ડન પાર્ટીનું આયોજન કર્યું હતું. બીજો કાર્યક્રમ 25 મેના રોજ બકિંગહામ પેલેસમાં યોજાશે.