સાઉથ-ઇસ્ટ ઇંગ્લેન્ડમાં બર્કશાયરમાં આવેલા રાણી એલિઝાબેથ દ્વિતીયનો વિન્ડસર કાસલ આ મહિનાના અંત સુધીમાં સુરક્ષાના કારણોસર ‘નો ફલાય ઝોન’માં મુકાશે, તેમ પોલીસે તાજેતરમાં જણાવ્યું હતું.
થેમ્સ વેલી પોલીસ, મેટ્રોપોલિટન પોલીસ સર્વિસ અને યુકેની સિવિલ એવિએશન ઓથોરિટી દ્વારા જાહેર પરામર્શના પગલે વિન્ડસરને ‘પ્રતિબંધિત ઉડ્ડયન વિસ્તાર’ તરીકે મંજૂરી આપવામાં આવી છે.
આ પગલું તાજેતરમાં 95 વર્ષીય મહારાણીના મહેલમાં સુરક્ષામાં છીંડા બહાર આવતા લેવામાં આવ્યું છે. ગત મહિને ઘટેલી આ ઘટનામાં એક બ્રિટિશ સિખ કિશોર ગીલોડ જેવું સાધન લઇને મહેલમાં ધસી ગયો હતો અને પછી તેની મેન્ટલ હેલ્થ એક્ટ હેઠળ અટકાયત કરવામાં આવી હતી.
થેમ્સવેલી પોલીસે જણાવ્યું હતું કે, આ નવા આદેશ મુજબ વિન્ડસર કાસલના આસપાસના 1.25 નોટિકલ માઇલ વિસ્તાર અને 2500 ફૂટ સુધી ઉંચાઇમાં એરસ્પેસના ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકાવામાં આવ્યો છે, જે 27 જાન્યુઆરીથી અમલમાં આવશે. જો કોઇ ફ્લાઇટ્સને આ વિસ્તારમાંથી પસાર થવું હશે તો તેને જરૂરી મંજૂરી લેવી પડશે. જો કોઇ, અગાઉથી મંજૂરી લીધા વગર આ પ્રતિબંધોનું ઉલ્લંઘન કરશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ જાણીતા સ્થળની પાસે રહેતા લોકો સલામત રાખવા માટે પોલીસે વધારાની વ્યવસ્થા અમલમાં મુકી છે. આ ઉપરાંત સુરક્ષા માટે અધિકારીઓ અહીં નિયમિત પેટ્રોલિંગ પણ કરે છે.
આ અંગે મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું હતું કે, મહેલ સામે કોઇ નિશ્ચિત જોખમ કે ગુપ્ત માહિતીને ધ્યાનમાં રાખીને આ સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી.
ક્રિસમસ પછી રાણીના મહેલમાં ઘૂસી જનાર ભારતીય મૂળના સિખ યુવાન જસવંત સિંઘ ચૈલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો અને મેટ પોલીસે તેની સમીક્ષા કરી હતી. આ યુવાને જણાવ્યું હતું કે, તે વર્ષ 1919માં અમૃતસરમાં જલિયાવાંલા બાગ હત્યાકાંડનો બદલો લેવા માટે રાણીની હત્યા કરવા ઇચ્છતો હતો.