ડ્યુક ઓફ એડિનબરા પ્રિન્સ ફિલીપના અંતિમ સંસ્કાર પછી મહારાણી તેમના ખાનગી રૂમમાં એકલા બેસવા માટે વિન્ડસર કાસલ પરત ફર્યા હતા. સેન્ટ જ્યોર્જ ચેપલમાં 50-મિનિટની સર્વિસ દરમિયાન શાહી પરિવારના અન્ય સભ્યોની હાજરી હોવા છતાં એકલા બેઠેલા મહારાણીની તસવીર ગયા એપ્રિલમાં લોકડાઉન દરમિયાન સેવાનું પ્રતીક બની ગઇ હતી.
રાણીના ડ્રેસર એન્જેલા કેલીએ અપડેટેડ સંસ્મરણ આધારીત પુસ્તક, ‘’ધ અધર સાઈડ ઓફ ધ કોઈન: ધ ક્વીન, ધ ડ્રેસર એન્ડ ધ વોર્ડરોબ’’માં જણાવ્યું હતું કે ‘’73 વર્ષના રાણી પતિના શોક માટે કિલ્લાના તેમના એપાર્ટમેન્ટમાં પરત આવ્યા ત્યારે મેં તેમને કોટ અને ટોપી કાઢવા મદદ કરી હતી. પણ તેઓ કશું બોલ્યા વગર બેઠક રૂમમાં ચાલ્યા ગયા હતા અને દરવાજો બંધ કરી દીધો હતો.’’
મહારાણીના અંગત સલાહકાર અને ક્યુરેટર (ધ ક્વીન્સ જ્વેલરી, ઇન્સિગ્નિયસ એન્ડ ક્લોધીંગ્સ) કેલીએ જણાવ્યું હતું કે ‘’જ્યારે ગયા વર્ષે 9 એપ્રિલના રોજ ફિલિપનું અવસાન થયું ત્યારે પરિવારને જાણ કર્યા બાદ અમારામાંથી માત્ર થોડાને જ કહેવામાં આવ્યું હતું. પ્રતિષ્ઠિત માણસની અંતિમ યાત્રા જોતી વખતે દરેકના ચહેરા પર ઉદાસીનતા જોઈ શકાતી હતી. મને ખાતરી હતી કે રાણીએ એક પતિ અને શ્રેષ્ઠ મિત્ર ગુમાવ્યો છે. હું દર અઠવાડિયે રાણીના વાળ ધોતી. તેઓ જાણતા હતા કે હું નર્વસ હતી, પ્રથમ બે અઠવાડિયા દરમિયાન તો હું ધ્રૂજતી હતી. પણ રાણી એટલા દયાળુ હતા કે તેમણે મને રોલર્સ મૂકવાની ખૂબ જ ચોક્કસ રીત વિશે સલાહ આપી હતી.”
કેલીને 2019માં રાણી સાથેના તેમના સંબંધ વિશે પુસ્તક લખવા પરવાનગી આપવામાં આવી હતી અને તેની 100,000થી વધુ નકલો વેચાઈ હતી.