મહારાણી એલિઝાબેથ II વિશ્વના સૌથી વૃદ્ધ અને સૌથી લાંબો સમય સુધી સેવા આપનાર દેશના વડા હતા. તેમના પિતા કિંગ જ્યોર્જ VI ના મૃત્યુ પછી તા. 6 ફેબ્રુઆરી, 1952 ના રોજ માત્ર 25 વર્ષની વયે સિંહાસન પર આવ્યા હતા.
તેમને પછીના વર્ષે જૂન 1953માં તાજ પહેરાવવામાં આવ્યો હતો. તે વખતે સૌ પ્રથમ ટેલિવિઝન પર તેમનો રાજ્યાભિષેક દર્શાવવામાં આવ્યો હતો અને શાહી પરિવારના જીવનને મીડિયા પર બતાવવાની શરૂઆત થઇ હતી.
રાજ્યાભિષેક દિવસ પરના ભાષણમાં તેમણે કહ્યું હતું કે “મેં પ્રામાણિકતાથી તમારી સેવા માટે મારી જાતને સમર્પિત કરી છે, કારણ કે તમારામાંના ઘણા મારા માટે સમર્પિત છો. મારા આખા જીવન દરમિયાન અને મારા પૂરા હૃદયથી હું તમારા વિશ્વાસને પાત્ર બનવાનો પ્રયત્ન કરીશ.”
એલિઝાબેથ એવા સમયે રાણી બન્યા હતા જ્યારે બ્રિટને તેનું ઘણું ખરૂ જૂનું સામ્રાજ્ય જાળવી રાખ્યું હતું. પરંતુ તે બીજા વિશ્વયુદ્ધના વિનાશમાંથી ઉભરી આવ્યું હતું. પરંતુ ફૂડ રેશનિંગ અમલમાં હતું અને સમાજમાં વર્ગ અને જાતીનો વિશેષાધિકાર પ્રબળ હતો. વિન્સ્ટન ચર્ચિલ તે સમયે બ્રિટનના વડા પ્રધાન હતા, જોસેફ સ્ટાલિને સોવિયેત સંઘનું નેતૃત્વ કર્યું હતું અને કોરિયન યુદ્ધ ચાલી રહ્યું હતું.
ત્યારપછીના દાયકાઓમાં, મહારાણી એલિઝાબેથે દેશ-વિદેશમાં વ્યાપક રાજકીય પરિવર્તન અને સામાજિક ઉથલપાથલ જોઈ હતી. તેણીના પોતાના કુટુંબની મુશ્કેલીઓ, ખાસ કરીને ચાર્લ્સ અને તેની સ્વર્ગસ્થ પ્રથમ પત્ની ડાયનાના છૂટાછેડા, તેમના દિકરા પ્રિન્સ એન્ડ્ર્યુ સામેની તપાસ, પ્રિન્સ હેરીની પત્ની મેગનના એલફેલ નિવેદનોને જોવા પડ્યા હતા.