રાજાશાહીના ઇતિહાસમાં બ્રિટન પર સૌથી લાંબો સમય એટલે કે સાત દાયકાઓ સુધી શાસન કરનાર મહારાણી એલિઝાબેથ બીજાનું તા. 8 સપ્ટેમ્બરના રોજ 96 વર્ષની વયે સ્કોટલેન્ડમાં તેમના બાલમોરલ કાસલ ખાતે અવસાન થતાં બ્રિટનના એક યુગનો અંત આવ્યો છે. મહારાણી એલિઝાબેથના મોટા પુત્ર 73 વર્ષના પ્રિન્સ ચાર્લ્સ આપમેળે યુનાઇટેડ કિંગડમના રાજા અને ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ન્યુઝીલેન્ડ સહિત 14 અન્ય દેશોના વડા બન્યા છે. તેમના પત્ની કેમિલા ક્વીન કોન્સોર્ટ બન્યા છે.
બકિંગહામ પેલેસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આજે બપોરે બાલમોરલ ખાતે મહારાણીનું શાંતિપૂર્ણ અવસાન થયું છે. રાજા બનેલા કિંગ ચાર્લ્સ તૃતિય અને ક્વીન કોન્સોર્ટ આજે સાંજે બાલમોરલ ખાતે રહેશે અને આવતીકાલે લંડન પરત ફરશે.”
ગુરૂવારે તા. 8ના રોજ મધ્યાહ્ન પછી તરત જ મહારાણીની તબિયત બગડતી હોવાના સમાચાર બહાર આવ્યા હતા. ડોકટરોએ તેમને તુરંત જ પોતાની દેખરેખ હેઠળ લઇ લીધા હતા અને તેમની હાલત નાજુક જણાતા પરિવારના સૌ સદસ્યોને બાલમોરલ બોલાવી લેવાયા હતા.
મહારાણી ગયા વર્ષના અંતથી “એપિસોડિક મોબિલિટી પ્રોબ્લેમ્સ”થી પીડિત હતા, જેના કારણે તેમને લગભગ તમામ જાહેર પ્રવૃત્તિઓમાંથી ખસી જવાની ફરજ પડી હતી.
તેમના છેલ્લો જાહેર કાર્યક્રમમાં મંગળવારે તા. 6ના રોજ લિઝ ટ્રસને વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા હતા જે તેમના દ્વારા નિયુક્તી પામેલા 15મા વડાં પ્રધાન બન્યાં હતાં.
તેમના નિધનને પગલે દેશમાં આવેલા તમામ મહેલો, સમગ્ર લંડન અને અન્યત્ર આવેલી સરકારી ઇમારતો, ડાઉનીંગ સ્ટ્રીટ ખાતે રાષ્ટ્રધ્વજને અરધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો.