મહારાણી એલિઝાબેથ II એ તા. 24ના રોજ મોબિલિટી ગોલ્ફ કાર્ટમાં બેસીને ચેલ્સિ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. તેમના 70 વર્ષના શાસનકાળમાં તેઓ 50 થી વધુ વખત લંડનમાં આ કાર્યક્રમમાં હાજરી આપી ચૂક્યા છે. પ્રિન્સેસ બીટ્રાઇસે તેના પતિ એડોઆર્ડો મેપેલી મોઝી સાથે રોયલ ચેલ્સિયા ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. રોયલ્સ આ શોમાં જોડાઇને ઉત્સાહીત દેખાયા હતા. તેઓ ચેલ્સિ ફ્લાવર શોમાં ગ્લેમરસ પાવર કપલ તરીકે દેખાતા હતા.
શાહી શોફર દ્વારા ચલાવવામાં આવેલ બગીમાં રાણીની સાથે રોયલ હોર્ટિકલ્ચરલ સોસાયટીના પ્રમુખ કીથ વીડ, લેડી-ઈન-વેઈટિંગ, જેનિફર ગોર્ડન-લેનોક્સ અને શ્રીમતી વીડ પાછળ બેઠા હતા. કીથ વીડે, મહારાણીને પ્રવાસ કરાવ્યો હતો.
મહારાણીએ તેમના રેકોર્ડ-બ્રેકિંગ શાસનકાળ દરમિયાન કોનકોર્ડ, અવનવી કારો, સ્ટીમ ટ્રેનો, હાથીઓ અને સાઉથ પેસિફીક વોર કેનન, ટ્રેઇનો સહિત પરિવહનના લગભગ દરેક કલ્પનાશીલ માધ્યમો દ્વારા મુસાફરી કરી છે.
મહારાણીએ શોમાં લ્યુમીનીયસ પિંક કલરના કપડાં પહેર્યા હતાં. તેમણે માનસિક સ્વાસ્થ્ય, લાઇફ બોટ્સ, કોમ્યુનિટી કોહેશન્સ અને પોતાને સમર્પિત પ્રદર્શનોનું નિરીક્ષણ કર્યું હતું. ગ્રાન્ડ માર્કીમાં શાહી ફ્લોરિસ્ટ સિમોન લિસેટ દ્વારા બનાવાયેલ વિશાળ ચિત્રને તેમણે માણ્યું હતું. જેમાં 70 ફૂલોના વાઝીસનો સમાવેશ થાય છે. તેમાં પ્રત્યેક વેલીની લીલીનો સમાવેશ કરાયો હતો.
આ કાર્યક્રમમાં રેમન્ડ એવિસનને ‘ક્લેમેટિસના રાજા’ તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. રાણીએ છેલ્લે શોમાં ત્રણ વર્ષ પહેલા હાજરી આપી હતી.
96 વર્ષીય રાણી રોયલ હોર્ટિકલ્ચરલ સોસાયટીના પેટ્રન છે અને તેમની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી કરતા ડિસ્પ્લે જોવા માટે રોયલ હોસ્પીસ ચેલ્સિ ગયા હતા. 1953માં રાજ્યાભિષેક થયા બાદ રાણી લગભગ 11 ચેલ્સિ ફ્લાવર શો ચૂકી ગયા હોવાનું માનવામાં આવે છે.
રોયલ ફેમિલીના સભ્યોએ શો છોડતા પહેલા એક ખાનગી રિસેપ્શનમાં હાજરી આપી હતી.