નોર્થ લંડનમાં રહેતા વૃદ્ધ લોકો અને સમુદાયની સેવાઓ માટે નોર્થવુડ, હર્ટફર્ડશાયરના રાજ પાનખણીયાને બ્રિટીશ એમ્પાયર મેડલથી નવાજવામાં આવ્યા છે. રાજ પાનખણીયાએ જાસ્પર ફાઉન્ડેશનના જાસ્પર સેન્ટર દ્વારા અને તાજેતરના કોવિડ રોગચાળા દરમમિ.ન સમુદાયની સવિશેષ સેવા કરી હતી.
સ્ટેનમોરમાં રહેતા રાજ પાનખણીયા (રાજેન્દ્ર પરશોતમ પોપટ – પાનખણીયા) એક સ્વપ્નદ્રષ્ટા ઉદ્યોગપતિ, પ્રતિષ્ઠિત દાતા અને સમુદાયના પરોપકારી નેતા તરીકેની છાપ ધરાવે છે. રાજ દરેક ક્ષેત્રના લોકોના ઉજ્જવળ ભાવિને સશક્ત બનાવવા માટે જાસ્પર ફાઉન્ડેશનના નામથી અવિરત અભિયાન ચલાવી રહ્યા છે અને સ્થાનિક સમુદાયની તેમની અવિરત સેવા તે જ તેમનું ધ્યેય છે.
કેન્યામાં જન્મેલા, રાજ 70ના દાયકાની શરૂઆતમાં યુકે આવ્યા હતા અને ત્યારથી જ તેમણે જાસ્પર ગ્રુપના નામથી વિખ્યાત પ્રોપર્ટી ફર્મની રચના માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમની પેઢીએ હોસ્પિટલો અને યુનિવર્સિટીઓનાં વિશાળ મકાનોના રૂપાંતર સહિતના રેસિડેન્સીયલ અને બિઝનેસ ડેવલપમેન્ટનો વિશાળ પોર્ટફોલિયો ઉભો કર્યો હતો. તેમના અનુભવ, દ્રષ્ટિ અને નેતૃત્વ સાથે ચાળીસ વર્ષ દરમિયાન જાસ્પર ગ્રુપની ગણના આજે વિકાસશીલ કંપની તરીકે થાય છે અને હવે તે રાષ્ટ્રીય સ્તરે પ્રોપર્ટી, ઇન્વેસ્ટમેન્ટ અને કન્સ્ટ્રક્શન કંપની તરીકે વિકસીત થઇ છે.
તેમના દિકરી રિધ્ધી પાનખણીયાએ ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે ‘’જાસપર ગ્રુપના અધ્યક્ષ તરીકેની ભૂમિકા નિભાવતા મારા પિતા રાજ પાનખણીયાએ જાસ્પર ફાઉન્ડેશનની 2009માં સ્થાપના કરી હતી. તેમણે નોર્થ વેસ્ટ લંડનમાં ભારતીય – ગુજરાતી અને અન્ય સમુદાયના લોકોની સેવા માટે જાસ્પર સેન્ટરના નામથી વિશાળ સેન્ટર ઉભુ કર્યું હતું. જ્યાં વડિલ અને વૃધ્ધ લોકો માટે ડે સેન્ટર, યોગા, આઇટી, ડાન્સ અને અન્ય એક્ટીવીટી ક્લાસીસ, ક્રિસમસ, દિવાળી, ભજન, ડે ટ્રીપ્સ વગેરે કાર્યક્રમોનું આયોજન કરાતું હતું. જાસ્પર ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં જ કોવિડ-19 રોગચાળા દરમિયાન પણ વિશાળ સેવા કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા અને સેન્ટ મેથ્યુ ચર્ચ અને પાસ્ટર માઇકલ ફ્લેમિંગ્સ ચેરિટી, ચર્ચ ઑન ધ સ્ટ્રીટ્સ મિનિસ્ટ્રી દ્વારા બર્નલીમાં વસતા બેઘર અને વ્યસનથી પ્રભાવિત લોકોને ટેકો આપ્યો હતો. આ ઉપરાંત રોગચાળાને કારણે જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે ફૂડ બેંકને મદદ કરાઇ હતી.’’
રિધ્ધીએ ઉમેર્યું હતું કે ‘’લંડનમાં ડેન એટકિન્સ દ્વારા બેઘર લોકોને ફરીથી સમુદાયમાં જોડવા માટે કાઢી નાંખવામાં આવેલી બસોમાં ખાવાની, સુવાની, વેલબીઇંગ અને લર્નિંગ ફેસેલીટી બનાવવા માટે જાસ્પર ફાઉન્ડેશન દ્વારા દાન આપવામાં આવ્યું હતું. જાસ્પર ફાઉન્ડેશન દ્વારા ન્યૂ હોપ હોમલેસ ચેરીટી સંસ્થાને ફર્નિચર તેમજ 8 ટીવી માટે મોટી રકમ દાનમાં અપાઇ હતી. જે કોવિડ પ્રતિબંધો દરમિયાન, ઘણાં રહેવાસીઓના માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બન્યું હતું. જાસ્પર ફાઉન્ડેશને લંડનનું કોમ્યુનિટી કિચન (LCK) દ્વારા સંચાલિત સરપ્લસ ફૂડ હબને પણ મદદ કરી હતી. જેના દ્વારા 3600 લોકોને મદદ મળી હતી. આ હબ દ્વારા લોકોને ખાદ્ય ચીજો અપાઇ હતી. જે માટે બ્રેન્ટના સાંસદ બેરી ગાર્ડીનર નિમિત્ત બન્યા હતા.’’
વધુ માહિતી માટે જુઓ https://jasparfoundation.org/