સાહિત્ય માટેની સેવાઓ માટે એમ.બી.ઇ.નો એવોર્ડ મેળવનાર લેખક, પટકથા લેખક અને પત્રકાર નિકેશ શુક્લાએ પોતાનો એમબીઇનો એવોર્ડ પરત કર્યો હોવાની જાહેરાત કરી છે. ઇન્સ્ટાગ્રામ પર તેમણે લખ્યું હતું કે “ગયા મહિને મને સાહિત્ય માટેની સેવાઓ માટે એમ.બી.ઇ. ઓફર કરાયો હતો, મેં કહ્યું ના આભાર. હું મેમ્બર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર બનવા માંગતો નથી.”
આ વર્ષની શરૂઆતમાં તેમનું નવીન પુસ્તક ‘બ્રાઉન બેબી’ પ્રકાશિત કરનાર નિકેશ શુક્લાએ આ અગાઉ કોકોનટ અનલિમિટેડ નવલકથા લખી છે, તેઓ ધ ગુડ ઇમિગ્રન્ટના સંપાદક અને રાઇફ મેગેઝિન અને બ્રિસ્ટોલના યુથ-લીડ ઑનલાઇન પ્લેટફોર્મ વોટરશેડના લૉંચ એડિટર હતા.
નિકેશ શુક્લાએ આ માટેનું કારણ આપતાં જણાવ્યું હતું કે “એમબીઇનો એવોર્ડ નહિં સ્વીકારવાનું મુખ્ય કારણ એ હતું કે તે બ્રિટીશ સામ્રાજ્યની સરાહના કરે છે જે ક્રૂર, લોહિયાળ બાબત હતી અને તેનો મને ધિક્કાર છે. એમ.બી.ઇ. એવોર્ડ સ્વીકારવો એટલે તેમાં જોડાવા જેવું છે. દેશ એમ્પાયરના ઇતિહાસ સામે લડે છે અને તે સારું છે કે ખરાબ, મેં ઓપરેશન લેગસીને ધ્યાનમાં લીધું છે. જે બ્રિટિશરો માટે શરમજનક બને તેવા તમામ કોલોનીયલ ડોક્યુમેન્ટ્સનો નાશ કરવાનો પ્રોજેક્ટ છે. જો એમ્પાયર એટલું જ સારું હતું, તો ઓપરેશન લેગસીની કેમ જરૂર પડી? ”
આ સન્માનને નકારી કાઢીને, શુક્લા ડેવિડ બોવી, જ્યોર્જ હેરિસન, નાઇજેલા લૉસન, જોન સ્નો, નીતિન સૉની અને બેન્જામિન ઝેફનિઆ સહિતના અગ્રણીઓની ક્લબમાં જોડાયા છે.