બ્રિટનના મહારાણી એલિઝાબેથ બીજાએ પતિ પ્રિન્સ ફિલિપના અંતિમ સંસ્કારના થોડા દિવસો પછી બુધવારે તા. 21ના રોજ આવતા પોતાના 95મા જન્મદિવસની ઉજવણી કોઇ પણ ધામધૂમ વગર કરી હતી.
ડ્યુક ઑફ એડિનબરાની યાદમાં રાષ્ટ્રીય શોકનો સમય સત્તાવાર રીતે રવિવારે સમાપ્ત થયો હતો, જ્યારે રાણી શુક્રવાર સુધી શોકમાં રહ્યા હતા. જન્મદિવસની કોઈ ઉજવણી થઇ ન હોવાથી બકિંગહામ પેલેસ દ્વારા સત્તાવાર ફોટોગ્રાફ રજૂ કરાયો નહતો. મહારાણીએ તે દિવસ વિન્ડસર કાસલ ખાતે ખાનગી રીતે વિતાવ્યો હતો.
વડા પ્રધાન બોરીસ જોન્સને એક ટ્વિટ કરી જણાવ્યું હતું કે, “હું 95મા જન્મદિવસ પર હર મેજેસ્ટી ધ ક્વીનને મારી હાર્દિક શુભેચ્છાઓ મોકલવા માંગુ છું. હું હંમેશાં હર મેજેસ્ટી ધ ક્વીન અને આ દેશ અને રાષ્ટ્રમંડળ માટે તેમની સેવાના સૌથી વધુ વખાણ કરું છું. મને તેમના વડા પ્રધાન તરીકે સેવા આપવા બદલ ગર્વ છે.”
કોરોનાવાયરસ રોગચાળાની પરિસ્થિતિના કારણે જૂનના પ્રારંભમાં રાણીના સત્તાવાર જન્મદિવસની ઉજવણીનો વાર્ષિક ટ્રૂપિંગ ધ કલર સમારોહ પણ બકિંગહામ પેલેસે માર્ચમાં પાછો ખેંચ્યો હતો. માનવામાં આવે છે કે રાણીના નજીકના પરિવારજનો અને “એચએમએસ બબલ” તરીકે ઓળખાતા તેમની સાથેના 20 જેટલા કર્મચારીઓ વિન્ડસર કાસલમાં તેમની સાથે રહ્યા હતા.
2015માં મહારાણી વિશ્વના સૌથી વૃદ્ધ મોનાર્ક બન્યા હતા અને તેઓ જૂન 2022માં તેમના 70 વર્ષના શાસનની પ્લેટિનમ જ્યુબિલી ઉજવશે.