ઇંગ્લેન્ડમાં નીચે મુજબના દેશોમાંથી પ્રવાસ કરીને પરત આવતા લોકોને ક્વોરેન્ટાઇનમાંથી મુક્તિ આપવામાં આવી છે. આમ યુકેના લોકો હવે આ દેશોનો પ્રવાસ કરી હોલીડેઝ કરી શકશે અને તેમણે 14 દિવસીય સંસર્ગનિષેધનો સામનો કરવાનો રહેશે નહિ. જોકે ભારત સહિત ,ઉથ એશિયન પડોશી દેશોના લોકો જો ભારતની યાત્રા કરી પરત થશે તો તેમણે 14 દિવસ માટે યુકેમાં ક્વોરેન્ટાઇન થવું પડશે.
આ દેશોમાં જર્મની, ન્યૂઝીલેન્ડ, એન્ટીગા અને બાર્બુડા, નોર્વે, અરુબા, ગ્રીનલેન્ડ, પોલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ગ્રેનેડા, રિયુનિયન, ગ્વૌડેલોપ, સાન મરિનો, હોંગ કોંગ, સર્બિયા, બાર્બાડોઝ, હંગેરી, સેશેલ્સ, આઇસલેન્ડ, દક્ષિણ કોરિયા, બોનેરે, સિન્ટ યુસ્ટેટિયસ અને સબા, ઇટાલી, આયર્લેન્ડ, સેન્ટ બાર્થલમી, કુરાકાઓ, જાપાન, સેન્ટ કિટ્સ અને નેવિસ, સાયપ્રસ, લિક્ટેસ્ટાઇન, સેન્ટ લ્યુસિયા, લિથુઆનીયા, સેન્ટ પિયર અને મિકીલોન, ડેનમાર્ક, ડોમિનિકા, મકાઉ, તાઇવાન. ફારો આઇલેન્ડ્સ, ફીજી, મોરિશિયસ, ટર્કી, ફિનલેન્ડ, વેટિકન સિટી, વિયેટનામ, ફ્રેન્ચ પોલિનેશિયા, ન્યુ કેલેડોનીયા, સ્લોવેનિયા, સ્લોવેકિયા, લેટવિયા, એસ્ટોનિયા, સેન્ટ વિન્સેન્ટ અને અ ગ્રેનેડીયન્સ, બ્રુનેઇ, મલેશિયા, પોર્ટુગલ, બ્રિટીશ વર્જિન આઇલેન્ડ્સ, કેમેન આઇલેન્ડ્સ, ક્યુબા, જિબ્રાલ્ટર, મોરિશિયસ, મોન્ટેસેરેટ, ન્યુ કેલેડોનીયા, બર્મુડા, એંગ્યુઇલા, બ્રિટીશ એન્ટાર્કટિક પ્રદેશ તેમજ ગ્રીસ.
સમગ્ર યુરોપમાં કોવિડ-19ના કેસોમાં વધારાને લીધે મુસાફરી પર નવા જુદા જુદા પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. યુકે સરકારે તા. 7 સપ્ટેમ્બરના રોજ સાત ગ્રીક ટાપુઓને ઇંગ્લેન્ડના ક્વોરેન્ટાઇન દેશોની યાદીમાં મૂક્યા હતા. આ સાત ગ્રીક ટાપુઓ પરથી ઇંગ્લેન્ડ પહોંચનારા મુસાફરોએ બુધવારે સવારે 4:00થી 14 દિવસ માટે આઇસોલેટ થવું પડશે એમ ટ્રાન્સપોર્ટ મિનીસ્ટર ગ્રાન્ટ શેપ્સે જણાવ્યું છે. આ અસરગ્રસ્ત ટાપુઓમાં ક્રેટ, લેસ્વોસ, માઇકોનોસ, સેન્ટોરીની, સેરીફોસ, ટીનોસ અને ઝાકિન્થોસ છે.
ટ્રાન્સપોર્ટ મિનીસ્ટર ગ્રાન્ટ શેપ્સે જણાવ્યું હતું કે ‘’જો ચેપના દર અલગ હોય તો ટાપુઓને તેમના મેઇનલેન્ડ દેશોથી અલગ રીતે ગણવામાં આવશે. આ માટે સરકાર વધુ સારા ડેટાનો ઉપયોગ કરશે. આ મુસાફરીને સલામત રીતે ચાલુ રાખવાથી યુકેના પ્રવાસ ઉદ્યોગને વેગ મળશે. સ્પેનના બેલેરિક અને કેનેરી આઇલેન્ડ્સમાં કોરોનાવાયરસ ચેપનો દર હજુ પણ ખૂબ ઉંચો હોવાથી ઇંગ્લેન્ડ પરત ફરનારા મુસાફરોને અલગ રાખવા આવશ્યક છે. સેન્ટોરિનીથી ઇંગ્લેન્ડ પરત ફરનારા મુસાફરોને પણ 14 દિવસ માટે સેલ્ફ આઇસોલેટ થવું પડશે.’’
તેમણે કહ્યું હતું કે ‘’સરકાર ઉચ્ચ જોખમવાળા દેશોમાંથી યુકે આવતા લોકો માટેના 14 દિવસની ક્વોરેન્ટાઇન અવધિમાં ઘટાડો કરવા માટે કોરોનાવાયરસ ટેસ્ટીંગ કરવાની વ્યવહારિકતા પર સક્રિય રીતે કાર્યરત છે. ટેસ્ટીંગ સાથે સંસર્ગનિષેધ વધુ આશાસ્પદ રીતે કામ કરશે. જે લોકો યુકે પરત ફર્યા પછી 14 દિવસ માટે ક્વોરેન્ટાઇન કરવામાં અસમર્થ હશે તેમને માટે તો મુસાફરી ન કરવી તે જ શ્રેષ્ઠ છે.
છ ગ્રીક ટાપુઓ ક્રેટ, લેસ્વોસ, માઇકોનોસ, પેરોસ અને એન્ટિપારોસ અને ઝેકિન્થોસથી વેલ્સ પહોંચતા મુસાફરો માટે પહેલેથી જ આઇસોલેટ થવું આવશ્યક છે. તો સ્કોટિશ સરકારે સમગ્ર ગ્રીસ દેશ પર ક્વોરેન્ટાઇન પ્રતિબંધો લગાવી દીધા છે. પરંતુ નોર્ધન આયર્લેન્ડમાં ગ્રીસને મુક્તિ આપવામાં આવી છે.
લેબરના શેડો ટ્રાન્સપોર્ટ સેક્રેટરી જિમ મેકમોહને સરકારના રોગચાળાને સંચાલિત કરવાના પ્રયાસને “અસ્તવ્યસ્ત” ગણાવતા કહ્યું હતું કે “મહિનાઓ સુધી” યુકેમાં પ્રવેશતા મુસાફરો પર કોઈ પ્રતિબંધ લગાવાયા નહતો.
યુકે સરકારે તા. 7ને સોમવારે સ્પેન, ફ્રાન્સ, બેલ્જિયમ અને ઑસ્ટ્રિયા સહિતના દેશોમાંથી પરત ફરનારા મુસાફરોની સંસર્ગનિષેધની જરૂરિયાતોમાં વધારો કર્યો હતો.