ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના બનેલા ક્વાડ ગ્રૂપના દેશોના વડાઓની ટોકિયોમાં મંગળવાર, 23 મેએ બીજી રૂબરુ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ક્વાડ દેશોના વડાઓએ ઇન્ડો પેસિફિકની ગતિવિધિઓ અને પરસ્પર હિતના વૈશ્વિક મુદ્દાની ચર્ચાવિચારણા કરી હતી.
ક્વાડ નેતાઓની બેઠક બાદ સંયુક્ત નિવેદનમાં જણાવાયું હતું કે ક્વાડના નેતાઓ ઇન્ડો સ્પેસિફિક રિજનમાં હાલની સ્થિતિમાં ફેરફાર કરતા અને તંગદિલીમાં વધારો કરતા કોઇપણ બળજબરી, ઉશ્કેરણીજનક અને એકપક્ષીય પગલાંઓનો જોરદાર વિરોધ કરી છે અને આંતરાષ્ટ્રીય નિયમો આધારિત વ્યવસ્થાને જાળવી રાખવાના સંકલ્પનો દોહરાવે છે. એશિયામાં ચીનની લશ્કરી અને આર્થિક તાકાતમાં વધારો થઈ રહ્યો છે અને તેનો સામનો કરવા માટે ક્વાડ નેતાઓએ આ નિવેદન જારી કર્યું છે. નિવેદનમાં જણાવ્યું હતું કે વિવાદિત સ્થળોના લશ્કરીકરણ, કોસ્ટ ગાર્ડ વેસેલ્સ અને મેરિટાઇમ દળોના જોખમી ઉપયોગ, બીજા દેશોના સંશાધનોના દૂરોપયોગીના પ્રયાસોનો પણ ક્વાડ દેશો જોરદાર વિરોધ કરે છે.
આ બેઠકમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન, જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિડા અને ઓસ્ટ્રેલિયાના નવા ચૂંટાયેલા વડાપ્રધાન એન્થની આબ્લેનિઝે હાજરી આપી હતી. ક્વાડ સમીટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ક્વાડે ટૂંકા સમયગાળામાં વૈશ્વિક ફલક પર મહત્ત્વનું સ્થાન હાંસલ કર્યું છે. આજે ક્વાડનો વ્યાપ સર્વગ્રાહી બન્યો છે અને તેની ઓળખ મહત્ત્વની બની છે.
પ્રેસિડન્ટ બાઇડનને ક્વાડ સમીટમાં વડાપ્રધાન મોદીને આવકાર્યા હતા અને જણાવ્યું હતું કે તમને ફરી રૂબરુમાં જોઇને આનંદ થયો. બાઇડને તેમની પ્રારંભિક ટીપ્પણીમાં જણાવ્યું હતું કે અમે મુક્ત અને ખુલ્લા ઇન્ડો-પેસિફિકને સુનિશ્ચિત કરવાનો સમાન હેતુ ધરાવતીએ છીએ, જેનાથી આપણા બાળકોને વધુ સમૃદ્ધિ અને વ્યાપક તકો મળશે. હું તમારા સાથે કામ કરવા આતુર છું તથા સર્વગ્રાહી સમૃદ્ધિ અને સહિયારી સમૃદ્ધિ માટે આર્થિક સહકારને મજબૂત બનાવવા માગું છું.
એશિયામાં ચીનની વધતી જતી લશ્કરી અને આર્થિક તાકાત તથા રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે ક્વાડ દેશોની બેઠક યોજાઈ છે. જાપાનના વડાપ્રધાન કિશિડાએ જણાવ્યું હતું કે યુક્રેન પર રશિયાના આક્રમણથી યુએન ચાર્ટરના નિર્ધારિત સિદ્ધાંતનો ભંગ થયો છે. ટ
ક્વાડ ફેલોશીપ પ્રોગ્રામની જાહેરાત
ક્વાડ દેશોના વડાઓએ ક્વાડ ફેલોશીપ પ્રોગ્રામની જાહેરાત કરી હતી. આ એક સ્કોરલશીપ પ્રોગ્રામ છે, જે ચાર સભ્ય દેશોના નેક્સ્ટ જનરેશન સાયન્ટિસ્ટ અને ટેકનોલોજિસ્ટ માટે છે. આ પ્રોગ્રામ હેઠળ ક્વાડના પ્રત્યેક દેશ અમેરિકની અગ્રણી સાયન્સ, એન્જિનિયરિંગ એન્ડ મેથેમેટિક્સ (STEM) યુનિવર્સિટીઓમાં માસ્ટર્સ અને ડોક્ટેરેટની ડિગ્રી માટે દર વર્ષે 25 વિદ્યાર્થીને સ્પોન્સર કરશે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ક્વાડ ફેલોશીપ પ્રોગ્રામ અજોડ પહેલ છે. આ પ્રતિષ્ઠિત ફેલોશીપથી આપણા વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએટ અને ડોક્ટરેટનો અભ્યાસ કરવાની તક ઓફર કરશે.