સ્કાયટ્રેક્સ વર્લ્ડ એરલાઇન એવોર્ડ 2022 માં કતાર એવરેઝને વિક્રમજનક સતત સાતમી વખત વિશ્વની શ્રેષ્ઠ એરલાઇનનો એવોર્ડ મળ્યો છે, જ્યારે સિંગાપોર એરલાઇન્સ અને એમિરેટ્સ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહી છે. આ યાદીમાં વિસ્તારા એરલાઇન 20માં ક્રમે રહી હતી. બ્રિટિશ એરવેઝ 11માં અને વર્જિન એટલાન્ટિક 19માં રહી હતી.
સ્કાયટ્રેકને એવિયેશન ઇન્ડસ્ટ્રીનો ઓસ્કાર માનવામાં આવે છે. તે યુકે સ્થિત એરલાઇન એન્ડ એરપોર્ટ રિવ્યૂ એન્ડ રેન્કિંગ સાઇટ છે.
એશિયા પેસિફિકની એરલાઇન્સમાં જાપાનની ઓલ નિપ્પોન એરવેઝ અને ઓસ્ટ્રેલિયાની ક્વાન્ટાસ એરવેઝ અનુક્રમે ચોથા અને પાંચમાં ક્રમે રહી છે. હોંગકોંગની મુશ્કેલીમાં ફસાયેલી કેથે પેસિફિક ગયા વર્ષના છઠ્ઠા ક્રમથી ગબડી છેક 16માં સ્થાન આવી ગઈ છે.
દરેક કેબિન ક્લાસને આધારે પણ એવોર્ડ આપવામાં આવ્યા હતા. બેસ્ટ ફર્સ્ટ-ક્લાસ કેબિનનો એવોર્ડ સિંગાપોર એરલાઇન્સને, જ્યારે બેસ્ટ બિઝનેસ ક્લાસનો એવોર્ડ કતાર એરવેઝને મળ્યો હતો. વર્જિન એટલાન્ટિક એરવેઝને પ્રીમિયમ ઇકોનોમી અને એમિરેટ્સને બેસ્ટ ઇકોનોમી કેબિન ક્લાસનો એવોર્ડ મળ્યો હતો.
અન્ય કેટેગરીમાં શ્રેષ્ઠ લોંગ-હોલ લો-કોસ્ટ એરવાઇન્સનો એવોર્ડ સિંગાપોર એરલાઇન્સની બજેટ એરલાઇન સ્કૂટને મળ્યો હતો. સિંગાપોર એરલાઇન્સને બેસ્ટ કેબિન સ્ટાફનો પણ એવોર્ડ મળ્યો હતો.ભારતની વિસ્તારને બે એવોર્ડ મળ્યા હતા. તેમાં ભારત અને દક્ષિણ એશિયાની બેસ્ટ એરલાઇન તથા ભારત અને દક્ષિણ એશિયામાં બેસ્ટ એરલાઇન સ્ટાફ સર્વિસનો સમાવેશ થાય છે.
સપ્ટેમ્બર 2021થી ઓગસ્ટ 2022 સુધી ગ્રાહકોના ઓનલાઇન સરવેને આધારે વર્લ્ડ એરલાઇન્સ એવોર્ડ નિર્ધારિત કરાયા હતા. અંતિમ રિઝલ્ટમાં 350થી વધુ એરલાઇન્સ સામેલ હતી. મીડિયા અહેવાલ મુજબ 1000 દેશના આશરે 14 મિલિયન કસ્ટમરને આ સરવેમાં આવરી લેવામાં આવ્યા હતા.