કોરીઆ ઓપન સુપર 500 બેડમિન્ટન સ્પર્ધાની સેમિફાઈનલમાં શનિવારે (9 એપ્રિલ) ભારતની પી. વી. સિંધુ સેમિફાઈનલમાં કોરીઆની જ એન સેયોંગ સામે સીધી ગેમ્સમાં 14-21, 17-21થી હારી ગઈ હતી. પુરૂષોની સિંગલ્સની સેમિફાઈનલમાં ભારતના કિદામ્બી શ્રીકાંતનો પણ પરાજય થતાં આ ટુર્નામેન્ટમાં ભારતીય સ્પર્ધાનો સેમિફાઈનલમાં જ અંત આવી ગયો હતો.
ત્રીજો ક્રમાંક ધરાવતી સિંધુનો તેનાથી નાની, 20 વર્ષની કોરીઅન હરીફ સામે 48 મિનિટમાં જ પરાજય થયો હતો. બીજા ક્રમાંકની આ કોરીઅન હરીફ સામે સિંધુનો આ સળંગ ચોથો પરાજય છે.
શનિવારે જ રમાયેલી પુરૂષોની સિંગલ્સની સેમિફાઈનલમાં ભારતના કિદામ્બી શ્રીકાંતનો પણ બે સીધી ગેમ્સમાં ઈન્ડોનેશિયાના, ત્રીજા ક્રમના ખેલાડી જોનાથન ક્રિસ્ટી સામે 21-19, 21-16થી પરાજય થયો હતો.