પૂર્વ વડાપ્રધાન પી.વી. નરસિંહ રાવ. રાવને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. (PTI Photo)(PTI02_09_2024_000053B)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ વડાપ્રધાનો પીવી નરસિમ્હા રાવ અને ચૌધરી ચરણ સિંહ તથા વૈજ્ઞાનિક ડૉ. એમએસ સ્વામીનાથનને ભારતરત્ન એનાયત કરવાની શુક્રવાર, નવ ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી.

નરસિમ્હા રાવ 1991થી 1996 સુધી દેશના વડાપ્રધાન હતા અને ભારતના આર્થિક ઉદારીકરણના જનક ગણાય છે. તે સમયે ભારત દેવાળું ફુંકવાની સ્થિતિમાં આવી ગયો હતો અને આર્થિક સુધારા મારફત તેમને દેશને આર્થિક મુશ્કેલીમાં બહાર કાઢ્યો હતો. તેમના આર્થિક સુધારા પહેલા દેશમાં સરેરાશ 3થી 4 ટકા જીડીપી ગ્રોથ રહેતો હતો, પરંતુ પછીથી દેશનો જીડીપી વૃદ્ધિદર વધીને 7થી 8ની રેન્જમાં આવ્યો હતો.

શ્રમિકો અને ખેડૂતોના અધિકારોના હિમાયતી ચરણ સિંહે 1979માં થોડા સમય માટે વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. ડૉ. સ્વામીનાથન પ્રખ્યાત વૈજ્ઞાનિક છે અને  ભારતની હરિયાળી ક્રાંતિના શિલ્પકાર તરીકે ઓળખાય છે.

વડાપ્રધાન મોદીએ X પર લખ્યું હતું કે “આપણા ભૂતપૂર્વ વડા પ્રધાન પીવી નરસિમ્હા રાવને  ભારતરત્નથી સન્માનિત કરવામાં આવશે તે જણાવતા આનંદ થાય છે. એક પ્રતિષ્ઠિત વિદ્વાન અને રાજનેતા તરીકે, નરસિમ્હા રાવે વિવિધ ક્ષમતાઓમાં ભારતની વ્યાપક સેવા કરી હતી. આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન, કેન્દ્રીય પ્રધાન તરીકે અને ઘણા વર્ષો સુધી સંસદ અને વિધાનસભાના સભ્ય તરીકે તેમણે કરેલા કાર્યો માટે તેમને સમાન રીતે યાદ કરવામાં આવે છે. તેમનું સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વ ભારતને આર્થિક રીતે ઉન્નત બનાવવામાં, દેશની સમૃદ્ધિ અને વિકાસ માટે મજબૂત પાયો નાખવામાં મહત્ત્વપૂર્ણ હતું.”

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે “આ અમારી સરકારનું સૌભાગ્ય છે કે દેશના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. આ સન્માન દેશ માટે તેમના અજોડ યોગદાનને સમર્પિત છે. તેમણે પોતાનું સમગ્ર જીવન દેશના ખેડૂતોના અધિકારો અને કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું.

ડૉ. એમ.એસ. સ્વામીનાથનને પડકારજનક સમયમાં ભારતને કૃષિમાં આત્મનિર્ભરતા હાંસલ કરવામાં મદદ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને ભારતીય કૃષિને આધુનિક બનાવવા માટે ઉત્કૃષ્ટ પ્રયાસો કર્યા હતા. ડૉ. સ્વામીનાથનના સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વએ માત્ર ભારતીય કૃષિમાં જ પરિવર્તન કર્યું નથી પરંતુ દેશની ખાદ્ય સુરક્ષા અને સમૃદ્ધિ પણ સુનિશ્ચિત કરી છે.

 

LEAVE A REPLY