રશિયામાં વ્લાદિમીર પુતિન મંગળવારે પાંચમીવાર રશિયાના પ્રેસિડેન્ટ તરીકે શપથ લીધા છે. ક્રેમલિનમાં યોજાયેલા એક ભવ્ય સમારોહમાં શપથ લઈને 71 વર્ષના પુતિને તેમના પાંચમાં કાર્યકાળની શરૂઆત કરી હતી. પુતિને એવા સમયે પ્રેસિડેન્ટ પદ સંભાળ્યું છે, જ્યારે તેમના પર દેશમાં વિપક્ષને દબાવવાનો આરોપ મુકવામાં આવી રહ્યો છે અને પશ્ચિમી દેશો સાથે સંઘર્ષ ઘણો વધી ગયો છે. પુતિને મોસ્કોના ગ્રાન્ડ ક્રેમલિન પેલેસમાં 33 શબ્દોમાં શપથ લીધા હતા. આ એ જ જગ્યા છે જ્યાં રશિયાના ઝાર પરિવારના ત્રણ રાજાઓ (એલેક્ઝાંડર II, એલેક્ઝાન્ડર III અને નિકોલસ II)નો રાજ્યાભિષેક થયો હતો.
પુતિને અગાઉ વર્ષ 2000માં પ્રથમવાર પ્રેસિડેન્ટ તરીકે શપથ લીધા હતા. ત્યાર પછી તેઓ 2004, 2012 અને 2018માં પણ પ્રેસિડેન્ટ પદે હતા. પુતિન 1999થી પ્રેસિડેન્ટ અને વડાપ્રધાન તરીકે સત્તામાં રહ્યા છે. યુક્રેનમાં હજારો સૈનિકો મોકલ્યાના બે વર્ષ કરતાં પણ વધુ સમય પછી તેઓ તેમનો નવો કાર્યકાળ શરૂ કરી રહ્યા છે.
2022માં યુક્રેન પર કરેલા હુમલા પછી સત્તા પર પુતિનની પકડ મજબૂત બની રહી છે, પરંતુ તેના કારણે રશિયાને પશ્ચિમી પ્રતિબંધોનો પણ સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે રશિયન અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે. પુતિનને અર્થતંત્રને સુધારવા માટે પગલાં ભરવાના પડકારનો સામનો કરવો પડશે, યુક્રેન પર હુમલો કર્યા પછી પશ્ચિમી પ્રતિબંધોનો સામનો કરી રહેલા પુતિન ભારત અને ચીનને પેટ્રોલિયમ પેદાશોની નિકાસમાં વધારો કરવા માટે પૂર્વના દેશો તરફ વળ્યા છે.