BRICS બિઝનેસ ફોરમમાં રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમીર પુતિને બ્રિકસ દેશો સાથે વ્યાપારી સંબંધો વધારવા ઉપર ભાર મુકયો હતો. તેમણે જણાવ્યું હતું કે આ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં રશિયા અને બ્રિક્સ દેશો વચ્ચેના વ્યાપારમાં 38 ટકા વૃધ્ધિ થઇ હતી અને તે 45 બિલિયન ડોલર્સ સુધી પહોંચી છે. રશિયાએ તાજેતરના સમયમાં જ તેલનો રેકોર્ડ સપ્લાય કર્યો છે. ઉલ્લેખનીય છે કે રશિયાએ યુક્રેન ઉપર આક્રમણ કર્યા પછી પશ્ચિમના દેશોએ રશિયન તેલ ઉપર પ્રતિબંધ લગાડવા ઉપરાંત બીજા પણ પ્રતિબંધો મુકયા છે.
પુતિને વધુમાં જણાવ્યું હતું કે રશિયા અને ભારત વચ્ચે સુપર માર્કેટ શરૂ કરવા અંગે ચર્ચા થઇ રહી છે. સંભવત: ભારતીય સ્ટોર્સ ચેઇનનાં સ્વરૂપે શરૂ કરવામાં આવશે.
રશિયાના બજારમાં ચીનની મોટરો અને ઉપકરણોમાં ભાગીદારી વધારવા ચર્ચા થઇ રહી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, બ્રિક્સ દેશોમાં રશિયાની હાજરી વધી છે. ચીન અને ભારતમાં તેનાં તેલની નિકાસ ઘણી વધી છે. પુતિને ભારપૂર્વક જણાવ્યું હતું કે અમે વારંવાર કહ્યું છે કે આપણે સાથે મળીને સંઘર્ષનું સમાધાન કરીએ, ઉપરાંત આતંકવાદનો સામનો સંગઠિત અપરાધ, નવી ટેકનિકસ સાથેના અપરાધ, હવામાનના ફેરફારોનો સામનો તથા ખતરનાક સંક્રમણોના પ્રસાર જેવી સમસ્યાઓ હલ કરી શકીએ તેમ છીએ.