રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુટિન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શિખર મંત્રણા કરવા છ ડિસેમ્બરે ભારતની યાત્રાએ આવશે, એવી વિદેશ મંત્રાલયે શુક્રવારે જાહેરાત કરી હતી. ભારત અને રશિયા વચ્ચેની સમજૂતી મુજબ બંને દેશોના વડાઓ દ્રિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવા દર વર્ષે શિખર મંત્રણા કરે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે 21મી ઇન્ડિયા-રશિયા એન્યૂઅલ સમીટ માટે પુટિન 6 ડિસેમ્બરે ભારતની સત્તાવાર મુલાકાત લેશે. આ સમીટને કોરોના મહામારીને કારણે ગયા વર્ષે મોકૂફ રાખવામાં આવી હતી. અત્યાર સુધી ભારત અને રશિયા વચ્ચે વારાફરતી 20 એન્યૂઅલ સમીટ યોજાઈ છે.