કેનેડામાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાં પંજાબી ચોથા સ્થાને છે, જ્યારે અન્ય ભારતીય ભાષાઓનો પણ ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે, તેવું તાજેતરમાં જાહેર થયેલા આંકડામાં જણાયું છે.
કેનેડાના ઘરોમાં અત્યારે ઇંગ્લિશ અને ફ્રેંચ બે અધિકૃત ભાષાઓ સૌથી વધુ બોલાય છે, જ્યારે ત્યાર પછી મેન્ડેરીન અને પંજાબી ભાષા વધુ બોલાય છે તેવું, કેનેડાની ડેટા એજન્સી-સ્ટેટેસ્ટિક્સ કેનેડા (સ્ટેટકેન) દ્વારા જણાવવામાં આવ્યું છે. આ આંકડા 2021ની વસતી ગણતરીના આધારિત છે.
જોકે, દેશમાં મેન્ડેરીન કરતા પંજાબી ભાષા બોલનારા લોકોની સંખ્યા વધી રહી છે. 2016 અને 2021 વચ્ચે પંજાબી બોલનારા લોકોની સંખ્યા 49 ટકા વધીને 520,000 પર પહોંચી હતી, જ્યારે મેન્ડેરીન બોલનારાઓની સંખ્યા 15 ટકા વધીને 5,31,000 નોંધાઇ હતી.
જ્યારે અન્ય ભારતીય ભાષા બોલાનારા લોકોની સંખ્યા પણ કેનેડામાં વધી રહી છે. હિન્દી બોલાનારા લોકોની સંખ્યા 66 ટકા વધીને 92,000 થઇ હતી અને ગુજરાતી બોલનારા પણ 92 હજાર હતા પરંતુ તેમની સંખ્યામાં 43 ટકાનો વધારો થયો હતો. મલયાલમ બોલનારા લોકોની સંખ્યામાં 129 ટકાનો વધારો થઇને 35 હજાર પર પહોંચી હતી.
આ રીપોર્ટમાં વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં ઇમિગ્રેશન વધવાના કારણે વિવિધ ભાષાઓ બોલાનારાઓની સંખ્યામાં ઝડપી વધારો થયો હતો. મે 2016થી ડિસેમ્બર 2020 સુધીમાં કેનેડામાં આવેલા 20 ટકા કાયમી નિવાસીનો જન્મ ઇન્ડિયામાં થયો હતો.
એકંદરે ઘરમાં બિનઅધિકૃત ભાષા બોલાનારા વિશિષ્ટ કેનેડિયન્સની સંખ્યા 2016થી 16 ટકા વધીને ચાર મિલિયનથી 4.6 મિલિયન પર પહોંચી છે.
‘કોવિડ-19 મહામારીની અસર દેશમાં આવનારા વિદેશીઓ પર પડી હોવા છતાં, ઇમિગ્રેશન કેનેડાની ભાષાકીય વૈવિધ્યતાાને સમૃદ્ધ કરવાનું જાળવી રાખ્યું છે.’
કેનેડામાં બોલવા માટે અંગ્રેજી મુખ્ય ભાષા છે, તેના બોલનારા પાંચ વર્ષ અગાઉ 74.8 ટકા થી વધીને 2021માં 75.5 ટકા થઈ ગયા છે. જ્યારે અન્ય સત્તાવાર ભાષા ફ્રેન્ચના બોલનારા ઘટી રહ્યા છે. જે 22.2 ટકા થી ઘટીને 21.4 ટકા થઈ ગયા છે. બંને સત્તાવાર ભાષાઓ બોલનારાઓની સંખ્યા 18 ટકા પર સ્થિર રહી છે.